રોજ સાંભળીએ છે કે એઆઈ આવશે તો લાખો લોકોની નોકરીઓ ખાઈ જશે !
વાત ખોટી પણ નથી. ચેટજીપીટીએ લેખકો અને સ્ક્રીપ્ટ રાઈટરોને તો નવરા કરી જ દીધા છે. ‘સુનો’ નામનું એપ હવે ગાયકો, ગીતકારો, સંગીતકારો અને સાઉન્ડ રેકોર્ડિસ્ટોની દુકાનો બંધ કરાવશે !
ચિત્રકારો, ફોટોગ્રાફરો અને ગ્રાફીક ડિઝાઈનરો તો ઓલરેડી બેકાર થઈ ગયા છે ! છતાં, અમુક નોકરીઓ હજી એવી છે જે એઆઈ હરગિઝ નહીં લઈ શકે…
***
ડ્રાયવર :
ભલભલી ઓટો-ડ્રાઈવ ‘ટેસ્લા’ કારો આવી જાય, પણ ભારતના રોડ ઉપર જ્યાં સુધી ટ્રાફીક, લારી-ગલ્લા અને ખાડાઓ છો ત્યાં સુધી જીવતા જાગતા ડ્રાયવર વિના ચાલશે નહીં ! લખી રાખજો.
***
હેર કટિંગ :
ભલે તમે સલુનમાં ના જાવ, ભલે આ કારીગરો ઘરે આવીને તમારા વાળ કાપી જાય (એમાંય મહિલાઓના વાળ તો રંગવાના, વાળવાના, સ્ટાઈલ કરવાના…કેટલું બધું !) આવું કોઈ એઆઈવાળો રોબોટ નહીં કરી શકે ! લખી રાખજો.
***
જિમ અને જિમ ટ્રેનર :
લોકોને કોઈ ‘કામ’ નહીં કરવાનું હોય એટલે શરીર તો ‘આડું’ ફાટવાનું જ છે ! આમાં પણ એઆઈ નહીં ચાલે. કસરત તો જાતે જ કરવી પડશે ! એટલે કસરત કરાવનાર પણ જોઈશે જ. (પતિઓ અત્યારથી લખી રાખજો, પત્નીઓના ખર્ચા વધવાના છે.)
***
સરકારી કોન્ટ્રાક્ટરો :
ભલેને તગારાં પાવડા ચલાવનારા રોબોટ આવી જાય, પણ બનાવ્યા પછી તૂટી જ જાય એવા રોડ, પુલો, મકાનો અને સ્ટેડિયમો બનાવનારા કોન્ટ્રાક્ટરોનો બિઝનેસ બંધ તો નહીં જ પડવાનો !
***
નેતાઓ, રાજકારણીઓ :
સીધી વાત છે, જ્યાં ‘બુધ્ધિ’ની જરૂર પડે ત્યાં જ માણસને બદલે એઆઈ આવશે પણ આમાં તો –
***
… અને સરકારી શિક્ષકો :
ના ના, તમે જ કહો, ઘર ગણવાનાં, વસ્તી ગણવાની, કૂતરાં ગણવાનાં, રસીના ડોઝ વહેંચવાના, સત્તર જાતના સરવે કરવાનાં, ચૂંટણીના બૂથ સંભાળવાનાં… આવાં બધાં કામો જો રોબોટ કરવા માંડશે તો સરકાર શિક્ષકો પાસે કરાવશે શું ?
***
ભિખારીઓ :
આમાં તો જતે દહાડે આપણે પાકિસ્તાનને ઓવરટેક કરી જઈશું ! લખી રાખજો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment