બેસ્ટ બિઝનેસ છે શિક્ષણનો !

બારમાનાં રિઝલ્ટો આવી ગયા પછી હવે એડમિશનની ‘સિઝન’ ચાલી રહી છે ! જો તમે ધ્યાનથી સમજો તો આ શિક્ષણનો ‘ધંધો’ સૌથી બેસ્ટ છે. કઈ રીતે ? સમજો…

*** 

પહેલી વાત તો એ કે આમાં માત્ર બિલ્ડીંગ ઊભું કરવાનું છે. પણ કોઈ મશીનરી લગાડવાની જ નથી !

*** 

બીજી વાત એ કે કશું ‘મેન્યુફેકચર’ પણ નથી કરવાનું ! માત્ર ‘સર્વિસ’ આપવાની છે, જેના માટે ટેમ્પરરી ‘સર્વિસ-પરસન’ (શિક્ષકો) સાવ સસ્તા ભાવે મળી જાય છે.

*** 

જે સર્વિસ આપવાની છે, યાને કે શિક્ષણ, એનો ચાર્જ (ફી) ૩૬૫ દિવસનો લેવાનો છે, પણ વેકેશન અને રજાઓ બાદ કરતાં સર્વિસ તો માંડ ૧૮૦ દિવસની જ આપવાની છે !

*** 

અચ્છા, સર્વિસ સારી છે કે ખરાબ એની કંપ્લેન થઈ જ શકતી નથી કેમકે એની ‘ક્વોલિટી’ તો ખુદ ગ્રાહકે (યાને કે સ્ટુડન્ટે) ડીલીવર કરવાની છે ! જો ગ્રાહક ઓછા માર્ક્સ લાવે છે તો વાંક ‘કંપની’નો નહીં, ‘કસ્ટમર’નો જ છે !

*** 

કસ્ટમર જે પૈસા ચૂકવે છે, (ત્રણ-ચાર વરસમાં પાંચ લાખથી ૨૫ લાખ જેટલા) તેના બદલામાં કંપની શું આપે છે ? માત્ર એક સર્ટિફીકેટ !

*** 

આ પાંચથી ૨૫ લાખના ‘ઇન્વેસ્ટમેન્ટ’ સામે કસ્ટમરને ‘રિટર્ન’ શું મળે છે ? બાર હજાર કે બાવીસ હજારની નોકરી ! મજાની વાત એ છે કે કંપની એની કોઈ ‘ગેરંટી’ તો આપતી જ નથી !

*** 

સૌથી ફાયદાની વાત એ છે કે અહીં સાયન્સનું ભણાવનારા ‘સાયન્ટિસ્ટો’ નથી ! એન્જિનિયરીંગનું ભણાવનારા પોતે જ ‘એન્જિનિયરો’ નથી ! બિઝનેસ મેનેજમેન્ટ ભણાવનારો પોતે ‘બિઝનેસમેનો’ પણ નથી ! અને કોમર્સનું ભણાવનારા પોતે મોટો વેપાર તો ઠીક, એક પાનનો ગલ્લો પણ ચલાવી શકતા નથી !

*** 

આટલી બધી પોલમપોલ છતાં કોલેજોએ પોતાના પ્રોસ્પેક્ટસમાં ક્યાંય ‘શરતો લાગુ’ એવું લખવાનો રીવાજ જ નથી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments