પહેલાં આ બોધકથા વાંચો…
એક ગરીબ વિધવા હતી. બિચારી માંડમાંડ ગુજરાન ચલાવતી હતી. એક દિવસ એના ઘરે એક સેલ્સમેન યુવાન આવે છે અને કહે છે :
‘મારી એકાદ પ્રોડક્ટ તો ખરીદો ? દસ દિવસથી કશું વેચાયું જ નથી.’
વિધવાએ તેને ઘરમાં બોલાવીને એક ગ્લાસ દૂધ પીવડાવ્યું. અને કહ્યું ‘મારી પાસે કંઈ ખરીદવાના પૈસા નથી. પણ આનાથી તને સહારો મળશે.’
આ વાતને વરસો વીતી જાય છે… એ પછી એ વિધવા જ્યારે ઘરડી થઈ જાય છે ત્યારે અશક્તિ અને બિમારીને કારણે બેહોશ થઈ જાય છે.
તે ભાનમાં આવે છે ત્યારે જુએ છે કે તે એક મોટી હોસ્પિટલમાં હતી. અને તેની સારવાર કરનાર એ જ યુવક હતો જેને તેણે એક દિવસ એક ગ્લાસ દૂધ આપ્યું હતું !
છ દિવસની સારવાર પછી વૃદ્ધાને ૧ લાખ રૂપિયાનું બિલ આપવામાં આવે છે !
તે સખત મુંઝાઈ ગઈ. આટલા બધા પૈસા લાવવા ક્યાંથી ? પરંતુ જ્યારે તે હોસ્પિટલના પેમેન્ટ કાઉન્ટર પહોંચે છે ત્યારે…
(હવે અહીં બોધકથામાં ટ્વીસ્ટ આવે છે !)
જી હા, ત્યારે બિલ તો ૧ લાખ રૂપિયાનું જ હતું પરંત નીચે એક નોંધ લખેલી હોય છે :
આ બિલમાંથી ડોક્ટર સાહેબે ૧૦૦૦ રૂપિયા ભરી દીધા છે કેમકે સારવાર દરમ્યાન તમને કુલ ૧૦ ગ્લાસ દૂધ આપવામાં આવ્યું હતું !
(જોયું ? સત્કર્મો ક્યારેય એળે જતાં નથી ! હવે ‘બોધ’ પણ વાંચો…)
બોધ (૧) : જો તમે એમ માનતા હો કે એક ગ્લાસ દૂધ આપીને ૧ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરાવી લેશો, તો એ તમારી ભૂલ છે.
બોધ (૨) : મેડિકલ કોલેજની ફી વરસે બે-ત્રણ લાખની હોય છે. એક ગ્લાસ દૂધ પીવાથી ડોક્ટર ના બનાય.
અને બોધ (૩) : આવી બોધકથાઓ વાંચવાને બદલે સમયસર ‘આયુષ્યમાન કાર્ડ’ કઢાવી લો ! ફાયદામાં રહેશો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment