કહેવાય નહીં.. કહેવાય નહીં... !

આજે દેશ અને દુનિયાની સ્થિતિ એવી છે કે કાલે શું થશે તે કહેવું મુશ્કેલ છે ! એ જ વાત પર સાંભળો આ લેટેસ્ટ ગઝલ…

*** 

કોથળામાંથી કેવું બિલાડું નીકળે
કહેવાય નહીં…
‘નીટ’ છોડો ‘ન્યુઝ’ પેપર
ફૂટેલું નીકળે, કહેવાય નહીં !

*** 

ભરોસાની ભેંસ કેવો પાડે જણે
કહેવાય નહીં…
‘આયુષ્યમાન’નું ય ક્યારે
બેસણું થાય, કહેવાય નહીં !

*** 

બાર વરસે બાવો ના બોલે
કહેવાય નહીં…
પણ વીસ વરસે ન્યાય
મળી યે જાય, કહેવાય નહીં !

*** 

ઓટલો મળે તો રોટલો ન મળે
કહેવાય નહીં…
પણ ‘બાટલી’ આપતાં ય
‘બાટલો’ ન મળે, કહેવાય નહીં !

*** 

વાડ ક્યારે કોનાં ચીભડાં ગળે
કહેવાય નહીં…
અને ક્યારે ‘ઇલ્લીગલ’ કહી
બુલડોઝર ફરે… કહેવાય નહીં !

*** 

રાણીને બદલે કોઈ દૂરી નીકળે
કહેવાય નહીં…
મમતાની તૃણમૂલ જ
કોંગ્રેસમાં ભળે… કહેવાય નહીં !

*** 

કૂતરાની પૂંછડી સીધી યે થાય
કહેવાય નહીં…
ટ્રમ્પનું દિમાગ ઘડીક માટે
શાણું પણ થાય ! કહેવાય નહીં !

*** 

પાપડ પહેલવાન પથ્થર ભાંગે
કહેવાય નહીં…
પપ્પુ ક્યારેક પીએમ
પણ થાય… કહેવાય નહીં !

*** 

શ્રાવણ આવે નહીં
ને ભાદરવો જાય પણ નહીં
સાલું, કહેવાય નહીં…
એમ…
મોદીજી ‘પરમેનેન્ટ’ પીએમ
બની જાય, કહેવાય નહીં !

(ચેતતા રહેજો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments