કવિઓને વરસાદની શીખામણ !

હજી પ્રિ-મોન્સૂનના થોડાં ઝાપટાં પડ્યાં, એમાં તો સોશિયલ મિડીયાના ‘ઇન્સ્ટન્ટ કવિઓ’ હરખઘેલા થઈને કવિતાઓ ફટકારવા લાગ્યા છે !

આ જોઈને મેઘરાજા બગડ્યા છે ! સાંભળો એ શં કહે છે…

*** 

અલ્યા કવિઓ…
હજી મેં ટ્રાયલ-રન કરવા માટે વાદળનું એક્સિલરેટર ચેક કર્યું, એની ઘરઘરાટી સાંભળીને તમે ‘મોરના ટહૂકા’ ફોરવર્ડ કરવા માંડ્યા ?

જરીક પેલા સાચૂકલા મોરને જઈને પૂછો તો ખરા, કે મેઘરાજાનો કોઈ ‘મિસ-કોલ’ આવ્યો છે ખરો ?

*** 

પંદર વીસ ડઝન કવિઓ તો રીતસર ઉઘરાણી કરવા બેઠા છે કે ‘કેરળથી અહીં ગુજરાતમાં આવતા કેટલી વાર ?’

અલ્યા કવિઓ, અહીં આકાશમાં ઇન્દ્રદેવે કંઈ બુલેટ ટ્રેન નથી બંધાવી આપી ! કે કેરળથી ડાયરેક્ટ ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય…

*** 

બાકી, જ્યારે હું ખરેખર આવીશ ત્યારે તો આ ફોરવર્ડીયાઓ એવા ફોટા મુકશે જેમાં – છબછબિયાં કરતાં ટેણિયાંના ‘ક્યૂટ-ક્યૂટ’ ફોટા હશે !

ઉપરથી લખશે : ‘આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…’ અલ્યાઓ, તમારી જિંદગીમાં કદી ‘ઢેબર’ નામની વાનગી ખાધી છે ખરી ?

*** 

પેલા બીજા એક કવિનું ફોરવર્ડીયું ફરે છે કે ‘એક નાનકડું વાદળ એટલે સૂર્ય સામે શરૂ થયેલું યુદ્ધ !’

અલ્યા ભઈ, નિશાળમાં ભૂગોળ-બૂગોળ ભણ્યા છો કે નહીં ? તમારો આ સુરજદાદો તપે છે ત્યારે જ વાદળાં બને છે !

*** 

હમણાં એક નવું ફરી રહ્યું છે : 

‘ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ, એ સમજી જાશે…’

અલ્યાઓ… ‘ઝાકળ’ શિયાળામાં હોય ! ચોમાસામાં નહીંઈંઈં !! આમાં ને આમાં અમારાં વાદળાં શિયાળામાં ફરી વળે છે ! પછી તમે જ કકળાટ કરો છો…

*** 

હમણાં તો જાણે ગર્લફ્રેન્ડને મનાવતાં હો એવાં મેસેજો લખો છો, પણ જ્યારે હં મૂડમાં આવીને ખરેખર ધબધબાટી બોલાવીશ ત્યારે રીતસર તોછડાઈ પર ઉતરી આવશો કે
‘ટાંકીનો નળ ખૂલ્લો રહી ગયો લાગે છે ! કોઈ બંધ કરાવો યાર…’

*** 

ટુંકમાં, આ બધું ફોરવર્ડ કરવાનું બંધ કરો, નહિતર હું અહીંથી વાદળો ‘ફોરવર્ડ’ કરવાના બંધ કરી દઈશ !

***

- મન્નુ શેખચલ્લી

Comments