રણઝણસિંહના રામ મંદિરની રામાયણ !

‘આ રામ મંદિરમાં શું ચાલી રહ્યું છે ?’ અમે રણઝણસિંહને છાપાનાં સમાચારો બતાડીને પૂછ્યું.

પણ રણઝણસિંહ પરમ શાંતિની અવસ્થામાં અડધાં પોપચાં બીડીને બેઠા હતા. એ બોલ્યા : ‘મન્નુડા, ઓલી કહેવત છે ને રામરાજમાં પરજા સુખી !’

‘કેમ એવું બોલો છો ? રામમંદિરમાં દાનની રકમમાં જ ૨૦૦ કરોડની ચોરી થઈ છે. કોઈએ જમીન ખરીદી તો કોઈએ બંગલો બંધાવી લીધો !’

‘તો ભલેને બંધાયવા બંગલા ? કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ તો નથી કઈરીને ? કોઈ આતંકવાદી સંગઠન પાંહે તો નાણાં નથી ગ્યાને ? રામના ભક્તો એ પૈસા દીધા… ને રામના સેવકોએ લીધા ! એમાં શું ? રામરામ કરો ભૈશાબ ?’

અમે અકળાયા. ‘કેમ આડું આડું બોલો છો ? આ તો કરોડો લોકોની શ્રદ્ધાનો સવાલ છે. આમાંને આમાં તો રામ મંદિર ઉપરથી વિશ્વાસ ઊઠી જશે.’

‘નો ઊઠે મન્નુડા… કદી નો ઊઠે ! કેમકે…’ રણઝણસિંહે પલાંઠી વાળતાં કહ્યું ‘કેમકે શ્રદ્ધાને આંખ્યું નથી હોતી ! ઓલ્યો જે ‘અંધશ્રદ્ધા’ નામનો શબ્દ છે ને ? ઇ શબ્દ જ ખોટો છે !’

‘પણ આમાં તો ભક્તોની સંખ્યા ઘટી જાય.’

‘અંધભક્તોની સંખ્યા કદી ઘટતી નથી ! તું જોતો નથી ? કંઈ કેટલાય સંપ્રદાયુમાં અંદરોઅંદર ઝગડા હાલે છે… ઝપાઝપી થઈ જાય છે, મારામારી અને હત્યા સુદ્ધાં થઈ જાય છે ! છતાં ઈ સંપ્રદાયો હજી હાલે જ છે ને ? ઓલ્યો આસારામ જેલમાં બેઠો છે, તોય ઈનો સંપ્રદાય બંધ થ્યો ?’

અમે ચૂપ થઈ ગયા. રણઝણસિંહ અમારું ડાચું જોઈને મૂંછમાં મલકાતા રહ્યા. છેવટે મારાથી રહેવાયું નહીં.

‘આખરે આ બધું જઈને અટકશે ક્યાં ?’

અચાનક રણઝણસિંહનો ચહેરો ગંભીર થઈ ગયો. ફળફળતો નિસાસો નાંખતાં એ બોલ્યા :

‘મન્નુડા, આ તારા ભાજપની પડતીની નિશાની છે ! હવે કોઈ વિપક્ષની જરૂર જ નથી ! હંધાય અંદરો અંદર લડી મરશે.’

‘અને પ્રજા ?’

‘પરજાનું શું છે ? જે લૂંટવા જ બેઠા છે ઇમને માટે તો મંદિરનું દાન અને પ્રજાનો ટેક્સ બંનેય હરખાં જ છે ! અલ્યા, જે પ્રજાના પૈસા છે, ઇયે ‘ધરમના’ કામ હાટું જ કહેવાય કે નંઈ ? પણ ન્યાં તો સદીયુંથી ધાડ પડતી આવી છે. હવે તો રામરામ કરો બાપલ્યા…’

***

- મન્નુ શેખચલ્લી

Comments