આજે સાચા સમાચારો કરતાં ફેક ન્યુઝમાં જ વધારે મજા પડે છે ને ? એટલે જ અમારી ફેક ન્યુઝ ચેનલ લઈને આવી છે તદ્દન ઓરીજીનલ ફેક ન્યુઝ…
***
પર્દાફાશ… પર્દાફાશ… પાકિસ્તાની આતંકવાદીઓ અને આઈએસઆઈના જબરદસ્ત સ્મગલિંગ રેકેટનો થયો છે પર્દાફાશ !
‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને આંટો’ એવી કહેવત તો તમે સાંભળી જ હશે. બરાબર એ જ કહેવત મુજબ ભારતની જનતા પેટ્રોલ ડીઝલ માટે ટળવળતી રહે અને આઈએસઆઈ ભારતના જ પેટ્રોલ ડિઝલમાંથી ૪૦૦ ટકાની કમાણી કરે તેવું એક સ્મગલિંગ મોડ્યુલ ઝડપાઈ ગયું છે !
વિગતે વાત કરીએ તો આજકાલ ભારતમાં ઓપરેટ કરી રહેલા આઈએસઆઈના સ્લીપર સેલના મેમ્બરોના પગાર ચૂકવવા માટે પૈસા ખૂટી પડ્યા હોવાથી તેમણે એક નવું ષડયંત્ર રચ્યું છે. જેમાં ભારતમાં ૯૫-૯૮ રૂપિયે મળતા પેટ્રોલ ડીઝલનું સ્મગલિંગ કરીને તેને પાકિસ્તાનમાં ૪૫૦-૪૮૦ રૂપિયાના ભાવે વેચીને જે નફો થાય તેમાંથી નવા ચાઈનિઝ સૂતળી બોમ્બ હજારો લાખોની સંખ્યામાં ખરીદીને પછી તેને દેશના લાખો સુલભ શૌચાલયોમાં એક સાથે રિમોટ વડે ફોડીને ભયાનક દહેશત ફેલાવવાનો પ્લાન હતો !
પરંતુ આ આખું નેટવર્ક ભારતીય પોલીસના હાથે પકડાઈ ગયું છે ! મોટા મોટા કેરબા તથા ટેન્કરોમાં તો ‘દારૂ જ ભર્યો છે’ એમ કહીને સરહદ પાર લઈ જનારી ગેંગ એટલા માટે ઝડપાઈ ગઈ કે એમણે પોલીસને યોગ્ય રકમનો હપ્તો ચૂકવ્યો નહોતો !
***
બ્રેકિંગ ન્યુઝ… બ્રેકિંગ ન્યુઝ… વડાપ્રધાન મોદીજીનું વરસો સુધી ગુપ્ત રહેલું એક રહસ્ય આજે ખુલ્લું પડી ગયું છે !
મોદીજી કેટલાક દિવસોથી સતત વિદેશ પ્રવાસો કરે છે છતાં તેમને જેટ લેગ કેમ નથી લાગતો ? આ ઉંમરે તેમના ચહેરા ઉપર જરાય થાક કેમ નથી વરતાતો ? એનું રહસ્ય હવે ખુલી ગયુ છે…
તમે તો જાણો જ છો કે માનનીય મોદીજી પોતે એક નોન-બાયોલોજિકલ અવતાર છે. આના લીધે વિદેશોમાં જે ફરે છે તે તો માત્ર એમનું શરીર છે ! બાકી આત્મા તો ભારતમાં જ વસે છે!
મોદીજીનો આત્મા અહીં બેઠાં બેઠાં પોતાની દિવ્ય દૃષ્ટિ વડે તમામ વિદેશી કરારો વાંચી લે છે ! પછી ટેલિપથી દ્વારા પેલા શરીરની આંગળીઓને હસ્તાક્ષર કરવાનો સંદેશો મોકલે છે !
આ વિદ્યા એમણે હિમાલયની કઇ ગુફામાંથી પ્રાપ્ત કરી હતી ? ચાલો, આપણે ત્યાં જઈશું…
દરમ્યાનમાં ચોંટી રહેજો અમારી આ મનોરંજક ફેક ન્યુઝ ચેનલમાં…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment