અમુક ન્યુઝ તો એવા હોય છે કે એને ‘પંચાત’ કહેવી એ પણ પંચાતનું અપમાન છે ! છતાં એવું વાંચ્યા સાંભળ્યા પછી વિચાર આવે છે કે…
***
‘ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઉપર ૨૦૦૨થી આજ સુધીમાં ૨૪ વખત રેમ્પ-વૉક કર્યું !’
- સાલું, આપણને થાય કે એ બેનને આખા વરસમાં બસ આટલું જ ‘કામ’ હોય છે ?।
(અને આપણે ય નવરા છીએ ને…)
***
‘માધુરી દીક્ષીત ‘દેવદાસ’નાં ‘માર ડાલા’ ગાયનના શૂટિંગ વખતે પ્રેગનન્ટ નહોતી !’
- હવે આ સાંભળીને આપણે ‘હાશ’ કરવાની ? કે પછી એમ વિચારવાનું કે ડોક્ટર નેને (માધુરીના પતિ)ને કોઈએ ‘આવું બધું’ ક્યારે કીધું હશે ? અને એ જાણ્યા પછી ડો. નેનેને શું ‘થયું’ હશે ? બોલો.
(અને આપણે ય નવરા જ છીએ ને…)
***
‘આમિર ખાન તેનાથી ૧૮ વર્ષ નાની કોઈ ગૌરી સ્પ્રેટ નામની યુવતી સાથે ત્રીજાં લગ્ન કરશે. જાણો કે ગૌરી સ્પ્રેટ કોણ છે…’
- હદ થઈ ગઈ ને ? હવે આવી આવી ‘જનરલ નોલેજ’ની ઇન્ફોરમેશનો વિશે શું યુપીએસસીની એક્ઝામોમાં પણ સવાલ પૂછાતા થઈ જશે ? અને હા, આ વળી ગૌરી ‘સ્પ્રેટ’ કોણ છે ?
(બોલો, આપણે ય સાવ નવરા જ છીએને કે…)
***
‘માત્ર સોશિયલ મિડીયામાં ‘પ્રગટ’ થતી અભિનેત્રી રાખી સાવંત કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એના ‘પિતા’ છે !’
- અલ્યા, ટ્રમ્પ કાકો ખરેખર એનો બાપ હોય તો પણ શું ? અને ના હોય તો પણ શું ? ધારોકે ડીએનએ ટેસ્ટ પણ ક્યાંકથી ‘લીક’ થઈ જાય.. તોય શું ? ઓઇલના ભાવ ઘટવાના ખરા ?
(યાર, આપણે આટલા બધા નવરા છીએ ? કે..)
***
‘મોદીજીએ ઈટાલી જઈને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીને ‘મેલોડી’ ચોકલેટ ભેટ આપી !’
- ના ના, આ એક જ ન્યુઝ એવા હતા કે આખા દેશની કરોડોમાં ગણાતી જનતાને આ વાત ‘ચગળવામાં’ પંદર પંદર દહાડા લગી મજા પડી છે !
(હવે બોલો, તમે પણ સાવ નવરા તો ખરા ને !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment