ઉનાળાની 'હૉટ' શાયરીઓ !

એક તો બંગાળની ચૂંટણીના પરિણામોની ગરમી છે એમાં સાલું, ‘હિટ-વેવ’ ચાલી રહ્યું છે ! પરિણામે દિમાગમાંથી વરાળની સાથે સાથે ‘હોટ’ શાયરીઓનો પાલ ઉતરી રહ્યો છે..

*** 

કમનસીબે આ ઉનાળે
કેવી કઠણ નીકળી ?
એક તો કવિ
સડક પર આવી ગયા
ઉપરથી ચંપલ પણ
તૂટેલી નીકળી !

*** 

સદ્‌નસીબ બારમા ફેલનું
જુઓને કેવું ‘કૂલ’ છે…
એસીવાળા બ્યુટી પાર્લરમાં
પિયુનની જોબ મળી છે !

*** 

નામ ચીતરાવ્યાં છે
બાંકડા ઉપર નેતાઓએ
કેવા કેવા ‘ચોંટે’ છે પાછળ
બેશરમ આ ગરમીમાં !

*** 

ઉકળાટભરી આ રાત હતી
ને લાઈટ પણ જતી રહી
મીણબત્તી શોધી, જલાવવા
કમબખ્ત, ગરમીથી પીગળી ગઈ !

*** 

ઘેરો ક્યારે ઢીલો થશે
આ ઉનાળાનો ?
ચોરો બેઠા ઠંડકમાં
ને પોલીસ તડકે ઊભી છે !

*** 

ઉટી, મનાલી, શ્રીનગર
યાદ આવી જાય છે
ધાબે સૂતાં જ્યરા હવા
લુંગીમાં ઘૂસી જાય છે !

*** 

ભરબપોરે આપણે સૌ
કરોડપતિ થઈ ગયા…
જ્યાં જઈને બેસીએ
ત્યાં ત્યાં ‘હોટ-સીટ’ છે !

*** 

ના રહી મમતા ય શીતળ
ના કૃપા નર ઇન્દ્રની
મતે મતે તણખા ઝર્યા છે
કાઉન્ટીંગના બુલેટીનથી !

*** 

છતાં…
ભૂલો ભલે બીજું બધું,
ઉનાળાને ભૂલશો નહીં
ઠંડી લસ્સી, મીઠી કેરી
ને બરફગોળા રંગ-રંગીન !

***

- મન્નુ શેખચલ્લી

Comments