કદી નહીં થનારી શોધો !

ઇરાને જ્યારે હોર્મુઝમાં બૂચ મારી, છેક ત્યારે આપણને ભાન થયું કે ઓઇલના મામલે આપણે તો ‘બાઈ બાઈ ચાયણી’ જ રમવાની છે ! કાલે ઊઠીને જો રશિયા આડું ફાટે તો ?

છતાં પોતાને ‘વિશ્વગુરુ’ માનનારા આપણા દેશમાં ઓઈલનો વિકલ્પ કદી શોધાવાનો નથી ! આપણું ‘બુદ્ધિધન’ ટ્રમ્પની લાતો ખાઈને સ્વદેશમાં પાછું ફરશે તો પણ નહીં !

આ સિવાય પણ અમુક એવી શોધો છે જે ભારતમાં કદી થવાની નથી ! લખી રાખજો..

*** 

ટકાઉ ડામર રોડ :
વરસાદ તો ઇંગ્લેન્ડ અને અમેરિકામાં પણ પડે છે. છતાં ત્યાંના રોડ કેમ ધોવાઈ જતા નથી ? ત્યાં કેમ જ્યાં ને ત્યાં થીંગડાં નથી મારવા પડતા ? કેમકે ત્યાંના કોન્ટ્રાક્ટરો, કોર્પોરેટરો અને અધિકારીઓ ‘કરપ્શન’ નામનું કેમિકલ ડામરમાં ઉમેરતા નથી !

ટકાઉ રોડ બનાવવા માટે કોઈ એન્જિનિયરીંગ કોલેજમાં રિસર્ચ કરવાની જરૂર નથી ! છતાં એ ‘શોધ’ ભારતમાં કદી નહીં થાય.

*** 

લીક-પ્રુફ પ્રશ્નપત્રો :
અહીં પણ એ જ સમસ્યા છે. આપણે ત્યાં માત્ર એક ઓટીપી વડે બેન્કમાંથી લાખો રૂપિયા ચોરી જનારા જિનિયસો પડ્યા છે. (આમાંનો એક પણ જિનિયસ અમેરિકા કે ઇઝરાયેલમાં ટ્રેનીંગ લેવા નહોતો ગયો.) 

આવી સ્થિતિમાં ભલભલી એક્ઝામોનાં પેપર તો શું વિસાતમાં છે ? એ લીક થવાનાં, થવાનાં ને થવાનાં જ !

*** 

હિટ-પ્રુફ દિવાલો :
થોડાં વરસો પહેલાં બજારમાં ‘ચમક ચૂનો’ નામની એક પ્રોડક્ટ આવી હતી. મામૂલી ભાવે મળતો આ ચૂનો મકાનના ધાબા ઉપર ચોપડતાં જ ઘરનું ટેમ્પરેચર દસ ડીગ્રી ઘટી જતું હતું ! અરે, ધાબા ઉપર ભરબપોરે ઉઘાડા પગે ચાલો તોય દાઝે નહીં એવો આ ચૂનો હતો. (મજાક નહીં, સિરિયસલી કહું છું.)

પણ બજારમાંથી એ ચૂનો ગાયબ જ થઈ ગયો ! કેમ ? કેમકે જો ઘેર ઘેર દિવાલો ઉપર આવો ચૂનો લાગવા માંડે તો એસી કોણ ખરીદે ?

*** 

કોર્ટમાં લાઈ-ડિટેક્ટર :
ના ના, તમે જ કહો, જે ધંધો જ આખો જુઠ્ઠાણાં ઉપર ટકેલો છે ત્યાં જુઠ પકડનારું યંત્ર લાવવું એ તો ‘હારાકિરી’ જ કહેવાય ને ? લખી રાખજો, આ શોધ તો ૧૦૦ વરસ સુધી અમેરિકામાં પણ નહીં થાય…

***

- મન્નુ શેખચલ્લી

Comments