પતિ પત્ની ઔર ગોલ્ડ !

સોનું ખરીદવાનું એક વરસ સુધી મુલતવી રાખવાની ‘સોનેરી’ સલાહ આપીને મોદી સાહેબે પતિ-પત્નીમાં ઝગડા જ કરાવવાનું કામ કર્યું છે કે બીજું કાંઈ ?

જુઓ, આ દંપતી કેવું ઝગડી રહ્યું છે…

*** 

‘ના હોં ભૈશાબ ! મોદી સાહેબનું બહાનું કાઢીને તમે છટકી જાવ એ ના ચાલે ! મારા સગ્ગા ભાઈની દીકરીનાં લગ્ન હોય અને આપણે દસ તોલા સોનું ય ના આપીએ તે ચાલતું હશે ?’

‘અરે, પણ સોનાના ભાવ જોયા છે ?’

‘હા ! જોયા છે ! હું તો કેટલા વરસોથી તમને કહે કહે કરતી હતી કે થોડું સોનું લઈ રાખો… પણ અહીં સાંભળે છે જ કોણ ?’

‘અરે, પણ સોનું ખરીદીને કરવાનું શું ?’

‘કરવાનું શું ? એટલે ? આપણા પાડોશીએ દસ વરસ પહેલાં પાંચ લાખ રૂપિયાનું સોનું ખરીદેલું ! એની કિંમત આજે ૩૫ લાખ રૂપિયા થઈ ગઈ ! અને તમે ? દસ વરસ પહેલાં પાંચ લાખની કાર ખરીદેલી… આજે એની કિંમત ૫૦ હજાર પણ નથી !’

‘તો ?’

‘તો શું ? તે વખતે તમે સોનાનાં ઘરેણા કરાવ્યાં હોત તો ?’

‘તો… અચ્છા, તને શું લાગે છે. તારા એ સોનાનાં ઘરેણાં ઉપર બેસીને આપણે બધા આબુ, અંબાજી, મહાબળેશ્વર અને લોનાવાલા ફરવા ગયા હોત ?’

‘કેવી વાહિયાત વાત કરો છો ? ઘરેણાં ઉપર બેસાતું હશે ?’

‘ના ના, શું તારી એ સોનાની ચેન ઉપર બેસીને હું રોજ મારી ઓફિસે જતો હોત ?’

‘તમારું ચસકી ગયું લાગે છે… સોનું પહેરવાનું હોય, અને એ પણ ખાસ પ્રસંગે જ !’

‘અચ્છા, તો શું હું મારી કાર બેન્કના લોકરમાં મુકી રાખું ? માત્ર પ્રસંગે જ બહાર કાઢું ?’

‘ગાંડા જેવી વાત ના કરો ! લોકરમાં તે કંઈ કાર મુકાતી હશે ? એમાં ઘરેણાં મુકાય.’

‘એટલે જ કહું છું. કારનો ઉપયોગ તો કર્યો ને ? સોનું શું કામમાં આવ્યું ?’

‘મુસીબતના ટાઈમમાં સોનું જ કામમાં આવે.’

‘અચ્છા ? ધારો કે મારી બાયપાસ સર્જરી કરાવવાની થાય તો તું તારી ચેઈન વેચવા કાઢે ?’

‘લો, મારી ચેઈન શું કામ વેચું ? તમારી બેન્કમાં એફડી પડી તો છે… એ ના તોડાવાય ?’

(જોયું, મોદી સાહેબ ? પત્ની પોતાના ધણીની એફડી તોડાવશે પણ ઘરેણું નહીં તોડાવે ! હજી કહું છું સાહેબ, તમારે આ ‘ટોપિક’ જ અડવા જેવો નહોતો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments