અમુક સમાચારો જ એવા હોય છે કે તે સાંભળતાંની સાથે જ આપણા દિમાગમાં સળવળાટ થવા લાગે છે. જેમ કે –
***
સમાચાર :
અમેરિકાની સરકાર હવે ટ્રમ્પના ફોટાવાળી ૨૫૦ ડોલરની નોટો બહાર પાડશે.
સળવળાટ :
ટ્રમ્પના વિરોધીઓ હવે એવી જ ડિઝાઈનના ટોઇલેટ પેપર્સ બહાર પાડશે ! તમે જોજો…
***
સમાચાર :
ભારત સરકાર હવે ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી રંગબિરંગી કરન્સી નોટો બહાર પાડશે.
સળવળાટ :
આવું મોદીજી શા માટે કરી રહ્યા છે ? તે આપણને ‘ધૂરંધર-થ્રી’માં જ જાણવા મળશે ! શાંતિ રાખો…
***
સમાચાર :
‘ડોન-૩’માં કામ કરવાની ના પાડવા બદલ હવે ફિલ્મ વર્કર્સ એસોસિએશનો રણવીર સિંહના શૂટિંગનો બહિષ્કાર કરવાના છે.
સળવળાટ :
જોયું ? અગાઉ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેનો બહિષ્કાર ‘દેશપ્રેમીઓ’ કરાવતા હતા. હવે કહેશે કે બહિષ્કાર કરનારા ‘દેશદ્રોહીઓ’ છે !
***
સમાચાર :
કહે છે કે ‘નીટ’ની પરીક્ષાનાં પેપરો હવે લીક ના થાય તેના માટે સૈન્યની મદદ લેવામાં આવશે !
સળવળાટ :
ગમે તે કરી લો… છેવટે તો મામૂલી તાવ આવે તો પણ સત્તર જાતના ટેસ્ટ કરાવનારા ડોક્ટરો જ બહાર પડવાના છે !
***
સમાચાર :
મે મહિનાની ૩૦ તારીખે ‘વર્લ્ડ બટાકા દિવસ’ હતો !
સળવળાટ :
છતાં કોઈએ ન તો લાલુ યાદવનું સન્માન કર્યું કે ના કોઈએ રાહુલબાબાને યાદ કર્યા !
***
સમાચાર :
ભારતના વિદેશી હુંડીયામણ ભંડોળમાં ૭.૫૧ અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો છે.
સળવળાટ :
શાંતિ રાખો… થોડા જ દિવસોમાં જાણવા મળશે કે હુંડિયામણનાં ટેન્કરો ભરેલાં ત્રણ જહાજો હોર્મુઝની ખાડીમાંથી ભારત આવવા નીકળી ગયાં છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment