નવો રોગ... 'મોદીફોબિયા' !

દેશમાં આ નવા રોગનો ફેલાવો અચાનક વધી ગયો છે !

આ રોગના દર્દીઓ મોટા ભાગે બહુ ભણેલા, લિબરલ (ખુલ્લા વિચાર ધરાવનારા) અને ખુબ જ લોજિકલ (એટલે કે ‘લાગણી’થી નહીં પણ ‘તર્ક’ વડે કોઈપણ ચીજને સમજનારા) લોકો હોય છે !

હવે ‘ફોબિયા’ શબ્દનો અર્થ પણ સમજી લો…. એનો અર્થ થાય છે ‘કાલ્પનિક ભય’ !

હવે તમે જ કહો, ભણેલા, લિબરલ અને લોજિકલ લોકોની ‘કલ્પનાશક્તિ’ આજકાલ કેટલી ‘તીવ્ર’ થઈ ગઈ છે ?

*** 

એમ તો મોદીભક્તો પણ એવી વાતો ફેલાવતા હતા કે ‘રાહુલબાબા ભારતના ટુકડે ટુકડા કરી નાંખવાના પ્લાનિંગમાં છે !’ પણ આજે એ જ લોકોને આ વાત ‘જુની જોક્સ’ જેવી લાગે છે…

*** 

બીજી બાજુ ‘મોદીફોબિયા’થી પીડાતા દરદીઓને જાતજાતના વિચારો આવી રહ્યા છે ! જેમકે…

- આ આખી વૉર પાછળ મોદીજીની જ ચાલ છે ! તમે જોયું નહીં ? એ ૨૭મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલથી પાછા આવ્યા કે તરત જ ૨૮મી ફેબ્રુઆરી ઇઝરાયેલે ઇરાનના ખોમનેઈને મારી નાંખ્યા ! આ આખી સિક્રેટ ઇન્ફરમેશન આપવા માટે જ મોદી જાતે ત્યાં ગયેલા !

*** 

અચ્છા, બીજા બધા દેશોએ પેટ્રોલ ડિઝલના ભાવો તો ક્યારના વધારી દીધા પણ ભારતમાં કેમ આટલી વાર લાગી ?

કેમકે મોદીજીને ખબર જ હતી કે પેટ્રોલ ડિઝલની અછત થવાની છે, એટલે છ મહિના પહેલાંથી જ સ્ટોક ભરી રાખેલો…

જોયું ? આ જ બતાવે છે કે આખું કાવતરું એમનું જ હતું !

*** 

તમે જોજો, હવે સોના-ચાંદીની દુકાનોની બહાર એમના ગુન્ડાઓ લાકડીઓ લઈને ઊભા હશે… જે દુકાનની અંદર જાય એ દેશદ્રોહી !

*** 

અને થોડી રાહ  જુઓ… તમારે ત્યાં લગ્ન ચાલુ હશે ત્યા જ અચાનક ઈડીની રેઈડ પડશે !

અરે દાંતમાં સોનું પુરાવ્યું હશે તોય તમારી ધરપકડ થઈ જશે ! (એટલે આ જોક ઉપર પણ દાંત દેખાય એ રીતે હસવાનું નથી.)

*** 

દેશમાં હજારો મોદી વિરોધીઓનાં નામ સરનામાનું એક લિસ્ટ બની ગયું છે ! એ બધાનાં ઘરો ઉપર બુલડોઝર ફરી વળવાનાં છે!

- પણ હું કોઈ મોદી-બોદીથી ‘ડરતો’ નથી ! હા…

***

- મન્નુ શેખચલ્લી

Comments