નીટ પછી હવે 'પીટ' અને 'વીટ' !

‘નીટ’નું પેપર લીક થઈ ગયું એ છોડો, અમે તો કહીએ છીએ કે હવે ‘વીટ’ (વિધાનસભા એલિજીબીલીટી એન્ટ્રન્સ ટેસ્ટ) અને ‘પીટ’ (પાર્લામેન્ટ એલિજીબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ)ની એક્ઝામો લેવાનું ચાલુ કરો ! જુઓ, આ પણ આવી ગયું !

*** 

સવાલ (૧)
તમે આજ સુધીમાં કેટલા ક્રાઈમમાં સંડોવાયેલા છો ?
(એ) બળાત્કાર (બી) મર્ડર (૩) લૂંટ (૪) ધમકી (૫) આગજની રમખાણો મારપીટ (૬) જમીન-સંપત્તિ પચાવી પાડવી.

*** 

સવાલ (૨)
તમે આજ સુધીમાં કેટલાં કૌભાંડ કર્યાં છે ? અને કયા કયા ક્ષેત્રોમાં ?
(છાપાનાં કટિંગો તથા અન્ય પુરાવાઓ રજુ કરો.)

*** 

સવાલ (૩)
કૌભાંડોમાં તમારી સ્પેશીયાલિટી કયા કયા ફીલ્ડમાં છે ?
(૧) જમીન મહેસૂલ (૨) દારૂ-લિકર (૩) બેંક ફ્રોડ (૪) મેચ ફિક્સીંગ (૫) શિક્ષણ ક્ષેત્રે (૬) સહકારી સંસ્થાઓ (૭) ઓનલાઈન ફ્રોડ (૮) સાધુબાબા સેટિંગ

*** 

સવાલ (૪)
ચૂંટણી જીત્યા પછી શાસક પક્ષમાં પક્ષપલટો કરવાની તક મળે તો તમારી સાથે કેટલા વિધાયકો / સાંસદોને લાવી શકો છો ?

*** 

સવાલ (૫)
ચૂંટણી પહેલાં પાર્ટી બદલવાની હોય તો તમે તમારી શું પ્રાઈસ આંકો છો ?
(એ) માત્ર રૂપિયા કે (બી) રૂપિયા ઉપરાંત મંત્રીપદું, ચેરમેનપદું વગેરે.

*** 

સવાલ (૬)
પાર્ટી માટે કેટલું ફંડ લાવવાની કેપેસિટી ધરાવો છો ? (એ) ચૂંટણી વખતે કેટલા અને (બી) રેગ્યુલર, દર ત્રણ મહિને કેટલા.

*** 

સવાલ (૭)
સરકારી બજેટની ભાગબટાઈમાં તમારા હિસાબે કોને કેટલા પરસેન્ટેજ મળવા જોઈએ ? (૧) કોન્ટ્રાક્ટરને કેટલા (૨) અધિકારીને કેટલા (૩) મંત્રીજીને કેટલા અને (૪) પાર્ટી ફંડમાં કેટલા.

*** 

તમે જોયું ? આ પેપર એવું છે કે ‘લીક’ થવાથી કશો ફેર જ નહીં પડવાનો ! કેમકે દરેકે પોતપોતાની જ વિગતો ભરવાની છે ! બોલો જોરદાર છે ને ?

(જોકે અમે આ પેપર રણઝણસિંહને બતાડ્યું તો એ કહેવા લાગ્યા કે, ‘મન્નુડા, આમાં નવું શું છે ? ચૂંટણી માટે ટિકીટ આપતાં પહેલાં આ જ સવાલો પૂછાય છે !’)

***

- મન્નુ શેખચલ્લી

Comments