જેન-ઝિનાં સુલક્ષણો !

આપણા વડીલો બિચારી જેન-ઝિને વિના કારણ ઉતારી પાડે છે. હકીકતમાં જરા ધ્યાનથી જુઓ તો આજની આ નવી પેઢીમાં અનેક સુલક્ષણો છે…

*** 

એનાલિટીકલ છે :
આ લોકો સતત પોતાનું મૂલ્યાંકન કરતા રહે છે. આજે હું કેટલાં ડગલાં ચાલ્યો ? મને કેટલી લાઈક મળી ? મને કેટલી કોમેન્ટો આવી ? મારા કેટલા ફોલોઅર્સ વધ્યા ?

અરે, આજે મેં કાર્બન વપરાશ કેટલો ઘટાડ્યો ? મારું વજન કેટલું વધ્યું ?

*** 

ઓપન માઈન્ડેડ છે :
કોણ કહે છે કે એ લોકો કોઈની સલાહ કાને ધરતા નથી ? ઉલ્ટું આ પેઢી સતત ઓનલાઈન રહીને બ્યુટી ટીપ્સ લે છે… હેલ્થ ટીપ્સ લે છે, શું ખાવું, શું ના ખાવું, ફેશન ટીપ્સ લે છે… શું પહેરવું, શું ના પહેરવું (અરે ક્યાં કશું ના પહેરવું !)

શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટની ટીપ્સ તો ખરી જ, પણ બ્રેક-અપ શી રીતે કરવું એની પણ સલાહો લે છે !

*** 

આજ્ઞાંકિત છે :
હવે આમાં તમારું કહ્યું ના માન્યું એટલે ઉધ્ધત થઈ ગયા ? ના વડીલ ! આ લોકો એટલા આજ્ઞાંકિત છે કે કોઈના ‘અનુયાયી’ બનતાં તો વાર જ નથી લાગતી ! તમે જુઓ દરેક બાબલો-બેબલી મિનિમમ ૧૫૦ જણાને ‘ફોલો’ કરતાં હશે !

અને હા, ચેટજીપીટીનું તો માત્ર કહ્યું જ નથી માનતા, શાળા-કોલેજની એસાઈનમેનટ માટે તો અક્ષરસઃ એની કોપી જ કરી નાંખે છે ! બોલો.

*** 

અત્યંત જિજ્ઞાસુ છે :
એમને સતત નવું નવું જાણવું છે ! એટલે જ તો મોબાઈલમાં કલાકો સુધી સ્ક્રોલ કરતા રહે છે ! નવી ગેમ્સ, નવી નવી સુંદરીઓ, નવી નવી પોર્ન ક્લિપ્સ, નવી સટ્ટો રમવાની સાઈટ્સ… અને હા, નવા જીવનસાથીની તલાશ માટેનાં ડેટિંગ એપ્સ !!

અને બોસ, ઘેરબેઠાં બાપના પૈસાને રાતોરાત બમણા (કે અડધા) કરવાની સ્કીમો પણ આ પેઢી જ શોધતી હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments