જે રીતે ‘ધૂરંધર-ટુ’ જોયા પછી જ આપણને ખબર પડી કે મોદીજીએ રાતોરાત નોટબંધી શા માટે કરવી પડી હતી… એ જ રીતે ‘ધૂરંધર-થ્રી’માં નવા નવા સસ્પેન્સો ખુલવાનાં છે !
***
મોદીજી જ્યારે વિદેશના મોટા મોટા નેતાઓને મળે છે ત્યારે મોટેથી હસીને ભેટે છે શા માટે ?
હકીકતમાં તે વખતે મોદીજી હાથ મિલાવતી વખતે સામેની વ્યક્તિની ચામડીમાં એક એવી અદૃશ્ય માઈક્રોચીપ ઘૂસાડી દે છે જેના વડે એ લોકો કંઈપણ વાતો કરે તે આપણી જાસૂસી એજન્સી ‘રો’ને સંભળાતી રહે !
***
આ માઈક્રોચીપ્સને કારણે જ મોદીજીને ખબર પડી ગઈ હતી કે ઓઈલના ભાવ વધવાના છે ! એટલે ૬૦ દિવસનો સ્ટોક અગાઉથી ભરી રાખેલો !
અને એલપીજી ગેસની અછતથી બચવા માટે મોદીજીએ એવું સજ્જડ પ્લાનિંગ કરેલું કે જ્યારે જોરદાર તંગી ઊભી થાય ત્યારે માલદીવ ટાપુનાં જંગલો કાપીને એનાં લાકડાં ગામેગામ ગરીબોને મફતમાં ઘેરઘેર વહેંચી દેવાનાં !
***
પશ્ચિમ બંગાળની ચૂંટણી પાછળ શું ખેલ હતો, ખબર છે ?
પેલો પ્રશાંત કીશોર, જે મમતા બેનરજીની પાર્ટી માટે ચૂંટણી પ્રચારની વ્યુહરચના બનાવતો હતો એ તો મૂળ ‘રો’નો જ જાસૂસ છે ! વરસોથી !
***
અને જ્યારે ઇડીએ પ્રશાંત કીશોરની કંપની ‘સી-પેક’ ઉપર છાપો માર્યો ત્યારે મમતાજી જાતે ત્યાં ઘૂસીને એક ફાઈલ લઈ ગયેલાં એમાં શું હતું, ખબર છે ?
એમાં આખો એવો પ્લાન હતો કે મમતાજી પ.બંગાળ અને બાંગ્લાદેશને ભેગાં કરીને નવો દેશ બનાવી દેશે ! પછી પોતે જ એનાં પ્રાઈમ મિનિસ્ટર બની જશે !
પણ બાંગ્લાદેશના આર્મીને આપણે આ માહિતી પહોંચાડી દીધી ! એટલે એમણે જ બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ-સરનામાંનું આખું લિસ્ટ ભારતને સોંપી દીધું હતું !
બાકી ચૂંટણીપંચની તો હેસિયત જ ક્યાં હતી ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment