જીવનમાં સફળતા માટે કંઈ મોટીવેશનલ સેમિનારોમાં જવાની જરૂર નથી. એના માટે છૂટાંછવાયાં સુવાક્યો જ પુરતાં છે ! જુઓ..
***
પહેલાં ‘દિલ’નું સાંભળો…
પછી ‘દિમાગ’નું સાંભળો..
અને છેવટે એ જ કરો જે કરવાની સૌ ‘ના’ પાડી રહ્યા છે !
***
બારમામાં નાપાસ થનારા નિરાશ ના થશો..
તમારી આજુબાજુના અંકલોને જુઓ, એમણે પાસ થઈને શું મોટી ધાડ મારી છે ?
***
જમાનો કેટલો સારો થઈ ગયો છે…
પહેલાં મા કહેતી હતી ‘બેટા, સવાર થઈ ગઈ, હવે ઊઠી જાવ.’
હવે મા કહે છે ‘બેટા, સવાર થવા આવી, હવે તો સૂઈ જા ?’
***
તમે માર્ક કરજો…
લગ્નોમાં કુંવારાઓ સૌથી વધુ જોવા મળશે.
અને સ્મશાનયાત્રામાં ઘરડાઓ વધુ દેખાતા હશે.
કેમ ? કેમકે બંનેના મનમાં એમ હોય છે કે ‘હું નહીં જાઉં, તો મારામાં કોણ આવશે ?’
***
કોણ કહે છે કે ભારતના લોકો ગરીબ છે ?
૧૯૯૬માં જે ભાવે આપણે પેટ્રોલ ખરીદતા હતા…
એ ભાવે તો આજે આપણે પાણીની બોટલ ખરીદી લઈએ છીએ ! બોલો.
***
તમને કદી વિચાર આવ્યો છે ? કે…
‘નીટ’ની એક્ઝામમાં ૯૫ ટકા માર્ક્સ અપાવવાની ગેરંટી આપતા ક્લાસિસના ટીચરો…
પોતે કેમ ડોક્ટર નથી બની શક્યા ?
***
આજકાલ વડીલો નવરા થઈ ગયા છે.
કેમકે બીજાઓને સાચો રસ્તો બતાડવાનું કામ તો ગુગલ મેપે છીનવી લીધું છે !
***
બાકી, આ દુનિયામાં ચંપલ જેવું શ્રેષ્ઠ કપલ બીજું કોઈ છે જ નહીં…
કેમકે એક ખોવાઈ જાયતો બીજું આપોઆપ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment