બાર બાર 'ચા-હો' !

કોઈપણ ગુજરાતીને પૂછી જુઓ, ચા પીવાની ખરી મજા તો ધોમધખતા ઉનાળામાં જ હોય ! આમેય ‘ઇન્ટરનેશનલ ટી ડે’ પણ ઉનાળામાં જ આવે છે ને ?

ચા માટે ‘અડધી’ ‘આખી’ ‘કટિંગ’ ‘મોળી’ વગેરે પ્રકારો તો કોમન છે. પરંતુ રસિકજનો, આપણી ચા એ સિવાય અન્ય મજેદાર પ્રકારોમાં પણ મળે છે ! જુઓ…

*** 

બાકી’ ચા…
કપમાં જે બાકી વધી પડી હોય એવી ઠંડી રગડા જેવી ચાની વાત નથી. આ ‘બાકી’ ચા એટલે કીટલી પર ચા પીધા પછી આપણે જે કહીએ છીએ ને કે ‘બાકીમાં લખી રાખજો…’ એ !

*** 

ફિરંગી ચા...
જેમાં ના આદુ હોય, ના ગરમ મસાલો કે ના ફૂદીનો હોય કે ઈવન દૂધ પણ ના હોય ! અંગ્રેજોની ગુલામ જેવી પેઢીના અમુક લોકો આને ‘બ્લેક ટી’ કહે છે. બાકી અમે તો એનું નામ સજા જેવું જ પાડ્યું છે : ‘કાલાપાની’ !

*** 

મિનિએચર ચા…
આને અમે ‘હાઈકુ’ ચા પણ કહીએ છીએ. કેમકે સત્તર અક્ષરની જેમ આ પણ માત્ર સત્તર સેકંડમાં પતી જાય છે ! અડધીની પણ અડધી એવી આ દોઢ ઘૂંટડા જેટલી ચા નાનકડી ‘પેપર-પ્યાલી’માં મળે છે, જેને ‘પા-ચા’ (ક્વાટરિયું નહીં, યાર) કહે છે !

*** 

આત્મનિર્ભર ચા…
હવે આ કંઈ મોદી સાહેબની શોધ નથી ! આ તો વંદે ભારત જેવી ટ્રેનો અને મોંઘી વિમાની મુસાફરીમાં આપણને જે ચા જાતે બનાવવાની ટ્રે પકડાવી દેવામાં આવે છે ને ?  એ ! 

તકલીફ એટલી જ કે આમાંથી આપણને ‘આવડે એવી’ ચા જાતે જ બનાવવી પડે છે, જે જરાય ‘ભાવે એવી’ તો હોતી જ નથી ! (આપણી ઘરવાળી બનાવી આપે તો પણ.)

*** 

કડક મીઠી…
પુરુષોને સૌથી પ્રિય એવી ચાનો આ પ્રકાર છે ! કારણ શું ? કેમકે તે પત્ની જેવી જ ‘કડક’ હોય છે અને પ્રિયતમા જેટલી જ ‘મીઠી’ હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments