કોક્રોચ સિવાયની પાર્ટીઓ !

‘ક્રોક્રોચ જનતા પાર્ટી’ નામની એક ઇન્સ્ટાગ્રામ ઉપર બનેલી પાર્ટીએ દેશમાં ભારે ચકચાર જગાવી છે ! બે ચાર દિવસમાં એના ૧ કરોડથી વધુ ફોલોઅર્સ બની ગયા છે !

ક્રોક્રોચ જનતા પાર્ટીના સભ્ય હોવા માટે ત્રણ જરૂરીયાતો છે. (૧) તમે યુવાન હોવા જોઈએ. (૨) તમે બેરોજગાર હોવા જોઈએ અને (૩) તમે ‘આળસુ’ હોવા જોઈએ !

અમને લાગે છે કે આ હિસાબે તો દેશમાં બીજી ત્રણ પાર્ટીઓ બનવી જોઈએ…

*** 

(૧) પરાવલંબી પ્રજા પાર્ટી :
જે લોકો મફતમાં સરકારી અનાજ મેળવે છે, ધનવાન હોવા છતાં ‘ખેડૂત’ બનીને ટેક્સ નથી ભરતા, પૈસેટકે સુખી હોવા છતાં મફતિયા આયુષ્યમાન કાર્ડ વડે સારવાર લે છે અને પાઈની પણ પેદાશ કરવાને બદલે પેદાશના નામે સંતાનોનું જ ઉત્પાદન કરતા રહે છે…

આવા તમામ લોકોએ ‘એક’ થઈને આ પરાવલંબી ‘વોટ-બેંક પાર્ટી’ બનાવવા જેવી છે.

(આમાં દરેક ચૂંટણી પછી પોતાના ખાતાંમાં ૩૦૦૦ રૂપિયા મેળવનારી મહિલાઓ પણ ઉમેરાઈ રહી છે.)

*** 

(૨) ફીંગરટીપ્સ નેશન પાર્ટી :
દહાડામાં આઠથી દસ કલાક લગી પોતાના મોબાઈલમાં આંગળી કર્યા કરનારી આખી નવરીબજાર હવે આરામથી ૪૦થી ૫૦ કરોડ ફોલોઅર્સની પ્રચંડ પાર્ટી બની શકે છે !
એટલું જ નહીં, આ લોકો ભારતને ‘ફીંગરટીપ નેશન’નો સ્પેશીયલ દરજ્જો અપાવી શકે છે.

વળી, આમાં અનેક બુધ્ધુજીવીઓ વર્ક ફ્રોમ હોમ કરીને ‘ઘેરબેઠાં ક્રાંતિ’ કરવાનો આત્મસંતોષ પણ લઈ શકે છે.

*** 

(૩) ભ્રષ્ટ-ભારત પાર્ટી-સમૂહ :
ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ ભેગા મળીને આ એક રાષ્ટ્રિય કક્ષાનું ગઠબંધન હવે ખુલ્લેઆમ કરી જ નાંખવા જેવું છે. કેમકે શિક્ષણથી લઈને સેવા, ધર્મથી લઈને ધ્યાન તથા રતિક્રીડાથી લઈને રમતગમત સુધીનાં તમામ ક્ષેત્રોને આ લોકોએ ‘ધંધો’ જ બનાવી મુક્યો છે !

બસ, આ ત્રણ પાર્ટીઓ બની જાય પછી તો ભારતને વિશ્વગુરુ બનતાં દુનિયાની કોઈ તાકાત…

શું કહો છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments