અંગ્રેજીમાં... ગુજરાતીમાં... !

ગુગલ ટ્રાન્સલેટર જ્યારે અંગ્રેજીનું ગુજરાતી કરે છે ત્યારે પથારી ફેરવી નાંખે છે. જેમકે ‘ઇલેક્ટ્રીફાઈંગ ઇન એવરી બાઈટ’ એનું ગુજરાતી કરે છે ‘દરેક ડંખમાં વીજળીનો ઝાટકો !’

બાકી, આપણું અસલી મિજાજવાળું ટ્રાન્સલેશન તો અલગ જ હોય છે ! જુઓ નમૂના…

*** 

અંગ્રેજીમાં : ‘પ્લીઝ ગીવ સમ ડિસ્કાઉન્ટ.’
ગુજરાતીમાં : ‘અમે દર વખતે અહીંથી જ ખરીદી કરીએ છીએ.’

*** 

અંગ્રેજીમાં : ‘ઇટ ઇઝ વેરી એક્સપેન્સીવ.’
ગુજરાતીમાં : ‘દુકાન કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહે છે ? અમે પાછા આવીએ છીએ.’

*** 

અંગ્રેજીમાં : ‘શી હેઝ અ ન્યુ બોયફ્રેન્ડ.’
ગુજરાતીમાં : ‘પેલીએ નવો બકરો ફસાવ્યો લાગે છે.’

*** 

અંગ્રેજીમાં : ‘ધે આર ઇન રીલેશનશીપ.’
ગુજરાતીમાં : ‘ચાલુ છે..’

*** 

અંગ્રેજીમાં : ‘આઈ ડોન્ટ હેવ મની.’
ગુજરાતીમાં : ‘ખિસ્સામાંથી જેટલા નીકળે એટલા તારા, બસ ?’

*** 

અંગ્રેજીમાં : ‘લેટ અસ ગો ટુ ગોવા.’
ગુજરાતીમાં : ‘તમે લોકો પ્લાન તો બનાવો ? પછી કહું છું.’

*** 

અંગ્રેજીમાં : ‘હિ હેઝ બિકમ વેરી રીચ.’
ગુજરાતીમાં : ‘કોઈની ટોપી કરી લાગે છે.’

*** 

અંગ્રેજીમાં : ‘શી ઇઝ વેરી સ્માર્ટ.’
ગુજરાતીમાં : ‘એક નંબરની ચાંપલી છે.’

*** 

અંગ્રેજીમાં : ‘કેન વી નિગોશીએટ ધ પ્રાઈઝ ?’
ગુજરાતીમાં : ‘બાજુવાળો અડધા ભાવે આપવા તૈયાર છે.’

*** 

અંગ્રેજીમાં : ‘લેટ મિ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ.’
ગુજરાતીમાં : ‘હજુ તું મને ઓળખતો નથી.’

*** 

અંગ્રેજીમાં : ‘હિ ઇઝ વેરી એમ્બિશીયસ’
ગુજરાતીમાં : ‘મગજમાં રાઈ ભરેલી છે.’

*** 

અંગ્રેજીમાં : ‘લેટ મિ નો ઇફ યુ નીડ એની હેલ્પ.’
ગુજરાતીમાં : ‘અડધી રાતે કામ પડે તો સવારે ફોન કરજે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments