ચોથા પ્રકારના વૉર પંડિત !

પહેલા પ્રકારના વૉર પંડિત ટીવી ચેનલ પર હોય છે. હજી નાનકડો ફટાકડો ભૂલથી ફૂટી ગયો હોય એમાં તો ‘જોરદાર ધમાકા…’ ‘જંગ કા ઐલાન…’ ‘તીસરે વિશ્વયુદ્ધ મેં જલેગા વિશ્વ…’ એમ ચાલુ જ પડી જાય !

*** 

બીજા પ્રકારના યુદ્ધ નિષ્ણાતો યુ-ટ્યુબ ચેનલ ઉપર સિરિયસ ડાચું રાખીને ૪૮ મિનિટ સુધી દુનિયાભરનું અર્થશાસ્ત્ર, જિયો પોલિટીક્સ, ઇતિહાસ, ભૂગોળ, ન્યુ ક્લિયર સાયન્સ વગેરેના પાઠ ભણાવ્યા પછી છેલ્લે તો એમ જ કહેશે કે ‘અબ તો આનેવાલા સમય હી બતાયેગા…’ લો બોલો.

*** 

ત્રીજા પ્રકારના વૉર એક્સ્પર્ટો મહા સિક્રેટ કોન્સ્પીરસી થિયરી (ગુપ્ત કાવતરાંનો પર્દાફાશ) લઈને આવે છે ! કે બોસ, આ જે વૉર દેખાય છે એ તો નાટક છે ! અસલી ખેલ તો કોઈ બ્લેકરોક, કોઈ સોરોસ, કોઈ શૈતાન-પૂજક સંપ્રદાય કે કોઈ વીસ પચ્ચીસ શેરબજારના અંડરગ્રાઉન્ડ ખેલાડીઓનો જ આખો ખેલ છે !

*** 

પણ ચોથા પ્રકારના વૉર પંડીતો સૌથી વધુ મનોરંજક હોય છે ! સાંભળો…

બે યાર… હકીકતમાં આ વૉર જેવું કંઈ છે  જ નહીં ! ટીવીમાં બધુ બોગ્ગસ બતાડે છે…

***

જોતા નથી ? યુએઈના ન્યુક્લિયર વીજળીના પ્લાન્ટ પર ખાલી તૈંણ જ મિસાઈલ આયેલા ! એમાંથી બે તો તોડી પાડ્યા ! ને ત્રીજું ખાલી એક જનરેટર પર જ પડેલું ! આમાં વૉર ક્યાં આઈ?

*** 

અને ઇરાને જે ૩૦૦ મિસાઈલ છોડેલા એમાંથી ૨૯૭ તો હવામાં જ ફૂટી ગયેલા ! બાકીના તૈંણ ખાલી તૈંણ બિલ્ડીંગ પર પડ્યા ! એમાંય ખાલી બાલ્કનીઓ જ તૂટી… આમાં વોર ક્યાં આઈ ?

*** 

અને ઇરાનમાં છોકરીઓની નિસાળ પર બોમ પડ્યો એ કોણ જોવા ગયેલું ? આમેય ત્યાં અગાડી ઇન્ટરનેટ જ બંધ છે ! તો તૈં અગાડીથી ફોટા રાતોરાત અંઈ કેવી રીતે આયા ?

*** 

એક્ચ્યુઅલી સુ છે.. કે ‘વૉર વૉર’ની બૂમો પાડીને પેટ્રોલ, ડિઝલ, ગેસ બધાના ભાવ વધારી માર્યા છે ! આમાં અમેરિકા, ઇરાન, ઇઝરાયેલ ને બીજા બધા દેસો અંદરો અંદર મળેલા છે !

બાકી, વૉર – બોર જેવું કંઈ છે જ નંઈ ! આખી દુનિયાંને ઉલ્લુ બનાઈને અબ્બજો ડોલર બનાઈ રીયા છે, આ લોકો…

અલા, કોરોના વખતે બી આવું જ કરેલું ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments