અમેરિકાએ ‘ગુપ્ત ફાઈલો’ જાહેર કરીને કહ્યું છે કે ભૂતકાળમાં અમુક રહસ્યમય પરગ્રહવાસી અવકાશયાનો પૃથ્વી ઉપર ઉતર્યાં હતાં !
જોકે અમને તો પુરેપુરી શંકા છે કે આજની તારીખમાં આપણા સૌની વચ્ચે જ અમુક લોકો હકીકતમાં ‘એલિયન્સ’ (પરગ્રહવાસી) છે ! જુઓ…
***
મોદીજી :
૨૦૨૪ની ચૂંટણી વખતે મોદીજી ભૂલભૂલમાં કબૂલ કરી બેઠા હતા કે ‘હું તો નોન-બાયોલોજિકલ (નોર્મલ રીતે નહીં જન્મેલું બાળક) છું ! અને કોઈ ‘ખાસ હેતુસર’ મને પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યો છે !’
બોલો, આનાથી મોટો પુરાવો શું હોઈ શકે ?
***
ડોનાલ્ડ ટ્રમ્પ :
આ એક જ માણસે છેલ્લાં દોઢ વરસમાં જે ઉત્પાત મચાવ્યો છે એમા બહુ જ ક્લિયર-કટ સ્ટ્રેટેજી દેખાય છે કે પૃથ્વીને ત્રીજા વિશ્વ.દ્ધમાં ધકેલીને ‘તબાહ’ કરી નાંખવી !
હવે આવું કાવતરું કોઈ ‘એલિયન સામ્રાજ્ય’ સિવાય કોનું હોઈ શકે ?
***
માઈકલ જેક્સન :
અમને તો ૧૦૧ ટકા ખાતરી છે કે એ આ દુનિયાનો હતો જ નહીં ! જુઓને, એ કાળી ચામડીમાંથી ગોરો બની ગયો, ઊંધા પગલે ચાલી શકતો હતો, રબ્બરની જેમ પોતાના હાડકા વાળીને નાચી શકતો હતો અને યસ, એણે પોતાની જ એક અલગ સૃષ્ટિ ઊભી કરેલી જેનું નામ જ ભેદી હતું : ‘નેવરલેન્ડ’ !
મતલબ કે એવો દેશ, જે ‘છે’ છતાં ‘કદી’ હતો જ નહીં !
***
સ્વામી નિત્યાનંદ :
ભારત પણ કંઈ કમ નથી ! આ નિત્યાનંદ નામના એલિયને ‘કૈલાસ !’ નામનો એક આખો નવો દેશ બનાવી લીધો છે જ્યાં તે ગાય, ભેંસ, બકરી, બતક વગેરે સાથે ‘વાતો’ કરે છે અને આંગળી અડાડીને કેન્સર મટાડે છે !
ભાઈ, આ ચોક્કસ કોઈ એલિયન જ છે, તપાસ કરાવો ભૈશાબ…
***
ગાંધીજી :
નાના, જે માણસે માત્ર ચરખો કાંતીને, બકરીનું દૂધ પીને, ઉપવાસો કરીને, માત્ર પોતડીભેર રહીને, સુષ્ટુ સુષ્ટુ બોલીને અંગ્રેજો જેવા અંગ્રેજોને ‘હિપ્નોટાઈઝ’ કરીને દેશ છોડવા મજબૂર કરી દીધા હતા… એ ‘નોર્મલ’ માણસ હોય જ શી રીતે ?
પાછું, એમણે પોતાનું ઉપનામ પણ હતું ‘મહાત્મા’ યાને કે ‘મહાન આત્મા’ રખાવેલું !
***
અનંત અંબાણી :
યાર, તમને હજી આ કેસ ‘ડાઉટફૂલ’ નથી લાગતો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment