ગોલ્ડના સોનેરી ફેક ન્યૂઝ !

મોદી સાહેબે અપીલ કરી કે એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો, એમાં તો કહે છે કે રાજસ્થાનના એક સોનીએ પોતાનો શો-રૂમ બંધ કરી દીધો !

આવા બીજા પણ મનોરંજક સમાચારો છે…

*** 

મોદી સાહેબની અપીલ આવતાંની સાથે જ દેશના ૮૦ કરોડ લોકોએ સોનું ખરીદનું બંધ કરી દીધું છે !

આ એ ૮૦ કરોડ લોકો છે જેમને સરકાર દર મહિને મફત અનાજ આપે છે !

*** 

સાહેબની અપીલની અસર જાણીતા ગાયક બપ્પી લાહિરી ઉપર પણ થઈ છે ! એણે સ્વર્ગમાંથી સંદેશો પાઠવ્યો છે કે, ‘ચાલો એક વરસ લગી હું મારું વજન નહીં વધવા દઉં !’

*** 

પેલી બાજુ શેરબજારમાં ભયંકર કન્ફ્યુઝન ફેલાઈ ગયું છે. જો એક વરસ સુધી સોનું ના ખરીદવાનું હોય તો શેરબજારમાં સોનાનું ટ્રેડિંગ થશે કે નહીં !

વળી, જે ટ્રેડરો સોનામાં સટ્ટો નહીં રમે તે શું ‘દેશભક્ત’ કહેવાશે?

અને જે સટોડિયાઓ સવારે સોનું ખરીદીને બપોરે વેચીને ‘રોકડી’ કરતા હશે તે શું ‘દેશદ્રોહી’ ગણાશે ?

*** 

આ બધા વચ્ચે ખબર આવી છે કે બંગાળના એક જ્વેલરે પોતાના શો રૂમમાં સોનું વેચવાનું બંધ કરીને ‘ઝાલમુડી’ વેચવાની શરૂ કરી છે !

જોકે આ ‘ઝાલમુડી’ શુધ્ધ ચાંદીમાંથી ઓર્ડર આપનારા ગ્રાહક ભક્તોને મોદી સાહેબની મુદ્રાવાળો એક ચાંદીનો સિક્કો ભેટમાં આપવામાં આવશે. દોડો… દોડો…

*** 

ગુજરાતના એક જાગૃત નાગરિકે સોનું નિગમ સામે કોર્ટમાં પીઆઈએલ કરી છે કે તમે વરસોથી આવડું મોટું નિગમ ચલાવો છો તો કેટલું સોનું ખરીદ્યું એનો કદી હિસાબ કેમ આપ્યો નથી ? જનતા જાણવા માગે છે…

*** 

છેલ્લે બ્રેકિંગ ન્યુઝ…
તામિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયે તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટને ખુલ્લી ચેતવણી આપી છે કે તમે હવે સોનાને ‘ભાવ આપવાનું’ બંધ કરો !

***

- મન્નુ શેખચલ્લી

Comments