‘જુઓ, મોદીજીએ આપેલાં સૂચનોનો અમલ શી રીતે કરવો એની ચર્ચા માટે ઓફિસરોની એક મિટીંગ તાબડતોબ બોલાવો.’ નેતાજીએ સેક્રેટરીને બોલાવીને કીધું.
‘જી સર, અને મિટીંગમાં ચા-નાસ્તામાં શું રાખીશું ? મસાલા ટી- બ્લેક ટી, સમોસા, ભજીયાં, દાળવડાં…’
‘નાનાનાના… સમોસા ભજીયાં તળવામાં અને ચા ઉકાળવામાં ગેસ વપરાઈ જાય ! એક કામ કરો, ચાને બદલે…’
‘જ્યુસ રાખી દઈએ ? ચીકુનો જ્યુસ, પાઈનેપલ જ્યુસ, મિક્સ ફ્રુટ મિલ્ક શેક, ખુશબુદાર જાડી લસ્સી…?’
‘ગુડ આઈડિયા. પણ પછી નાસ્તામાં ?’
‘સર, ઝાલમુડી કેવી રહેશે ?’
‘વાહ ! મોદીજી તો રાજીરાજી થઈ જશે ! આપણે ફોટા પાડીને ‘સાદગી પેજ’માં મુકીશું. તમે તરત જ સો બસ્સો પેકેટો મંગાવી લો.’
‘પણ સર. કોઈ એક કંપનીનાં પેકેટો હશે તો વળી લોકો આક્ષેપ કરશે કે… એના કરતાં આપણા ફેવરિટ કેટરરને જ ઓર્ડર આપીએ તો કેવું ?’
‘લો, એ તો હું ભૂલી જ ગયો ! તમે એને આખા વરસનું ટેન્ડર આપી દો.’
‘તો સર…’ સેક્રેટરીએ કેલ્ક્યુલેટર ઉપર ગણીને કહે છે ‘ગયા વરસે આપણે મિટીંગોમાં ચા-નાસ્ત પાછળ માત્ર ૯૧ લાખનો ખર્ચ કરેલો… એ હિસાબે, હવે મેનુ બદલાતાં… લગભગ ત્રણ કરોડ જેવું થઈ જશે.’
‘તો શું થયું ? આપણે ઇંધણની બચત કરવાની છે, રૂપિયાની નહીં !’
‘જી સર…’ સેક્રેટરી અચકાતાં અચકાતાં પૂછે છે ‘એ સિવાય, વર્ક ફ્રોમ હોમમાં શું ?’
‘ઓહ યસ ! સારું યાદ અપાવ્યું ! હવે હું અઠવાડિયામાં ત્રણ જ દિવસ અહીં ઓફિસ આવીશ એટલે બાકીના ત્રણ દિવસ માટે મારા બંગલે આખું નવું કાર્યાલય ઊભું કરો !’
‘પણ સર… એમાં તો -’
‘ટાઈમ બગાડવો પોષાય તેમ નથી ! યુદ્ધ ફરી શરૂ થાય એ પહેલાં યુદ્ધના ધોરણે -’
‘સર, પ્રોબ્લેમ બીજો છે. કર્મચારીઓનો છે.’
‘શું છે ?’
‘કર્મચારીઓને ‘ફ્રોમ હોમ’નો વાંધો નથી, પણ વાંધો ‘વર્ક’ કરવા સામે છે !’
‘અરે, ‘વર્ક’ તો અહીં ઓફિસમાં આવીને પણ ક્યાં સરખું કરે છે?’
‘પણ પછી પ્રજાની ફરિયાદો વધી જશે તો ?’
‘તો એક કામ કરો…’ નેતાજીએ ચપટી વગાડતાં કહ્યું ‘પ્રજા માટે નવી સ્કીમ લોંચ કરો… કંપ્લેન ફ્રોમ હોમ !!’
‘હેં ?’
‘હેં શું ? લાખો નાગરિકોનું કરોડો લીટર પેટ્રોલ ડીઝલ બચી જશે! જોયું ? આને કહેવાય માસ્ટર સ્ટ્રોક !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment