'પેશન' વિનાના ડોક્ટરો ?

ડોક્ટરો ડોક્ટર શી રીતે બને છે ?

કોઈ સફળ ગાયક હશે તો કહેતો હશે કે મને તો બાળપણથી જ ગાવાનો શોખ હતો. એકટરો કહેતા હશે કે હું તો સ્કુલથી જ નાટકોમાં ભાગ લેતો હતો…

અરે, નેતાઓ બાળપણથી જ જુઠ્ઠા અને ગિલિન્ડર હોય છે ! ગેંગસ્ટરો પણ નાનપણથી જ દાદાગીરી કરતા થઈ ગયા હોય છે ! પણ શું તમે કોઈ ડોક્ટરના મોઢે એવું સાંભળ્યું કે…

*** 

‘મને તો બાળપણથી જ ડોક્ટર બનવું હતું. એના માટે મેં જીદ કરીને ડેડી પાસે રમકડાનો ‘ડોક્ટર સેટ’ મંગાવેલો ! એ રમકડાના સ્ટેથોસ્કોપ વડે મારા પડોશની એક બેબીને મેં સ્હેજ ‘ચેક’ કરેલી, એમં તો એના પપ્પાએ મને લાફો મારી દીધેલો !’

*** 

‘છતાં મેં મારું પેશન છોડ્યું નહોતું. વેકેશનમાં બધા મામાને ઘેર જતા હતા પણ હું તો હૉસ્પિટલમાં ફરવા માટે જતો ! મને દવાની ગંધ ખુબ જ ગમતી ! એકવાર ઓપરેશન થિયેટરમાં ઘૂસ મારીને મેં એક બાટલી સુંઘી લીધેલી… એ પછી મેં બાર કલાક બાદ એ જ હોસ્પિટલના આઈસીયુમાં મારી આંખ ખોલી હતી…’

‘આ રીતે, આઈસીયુની મુલાકાત લેવાનું મારું સપનું મેં નવ વરસની ઉંમરે જ પુરું કરી નાંખેલો ! બોલો.’

*** 

‘હું અમારા એરિયાના ડોક્ટરના દવાખાને બેસીને સતત જોયા કરતો હતો કે કમ્પાઉન્ડર પાટા પિંડી શી રીતે કરે છે… પછી એનો ‘પ્રેક્ટિકલ’ કરવા માટે ટ્યૂશન ક્લાસથી પાછા આવતાં મેં મારું સ્કૂટી એક અંકલ ઉપર ચડાવી દીધું હતું !’

‘અને તમે નહીં માનો, પોલીસ આવે એ પહેલાં તો મેં અંકલને માથે, હાથે અને પગે પાટા બાંધી આપ્યા હતા !’

*** 

‘અરે ડોક્ટર થવા માટે મેં જાણી જોઈને મારા હેન્ડરાઈટિંગ ખરાબ કરી નાંખ્યા હતા ! છતાં મને સંતોષ નહોતો, કેમકે મારું જ લખેલું લખાણ હું પોતે વાંચી શકતો હતો…’

‘પછી મેં શું કર્યું, ખબર છે ? દસમાની એકઝામમાં મેં ડાબા હાથે સાયન્સનું પેપર લખેલું ! પણ પેલા અક્કલ વગરના એક્ઝામિનરે મને ફેઈલ કરેલો !’

‘આ દુનિયામાં ટેલેન્ટ અને પેશનની કોઈને કિંમત જ નથી…’

*** 

- હવે તમે જ કહો, શું તમે આવો કોઈ ડોક્ટર જોયો છે ? નહીં ને ?

- કેમ કે ડોક્ટરો ડોક્ટર શી રીતે બને છે ? અરે ભઈ, ‘ગોખણપટ્ટી’ કરીને ! પૂછી જોજો કોઈ બી ડોકટરને…

***

- મન્નુ શેખચલ્લી

Comments