હવે તો બસ, ઝાલ-મુડી !

બંગાળની ચૂંટણી જીત્યા પછી મોદી સાહેબે દસ રૂપિયામાં લીધેલી ‘ઝાલ-મુડી’ છવાઈ ગઈ છે !

હવે આ ઝાલ-મુડી (અને મોદી સાહેબ બંનેની) લોકપ્રિયતાને વટાવી ખાવા માટે ગુજરાત સરકારે નવી નવી યોજનાઓ ફટાફટ ચાલુ કરી દેવા જેવી છે…

*** 

ઝાલ-મુડી રીલ્સ સ્પર્ધા :
ગુજરાતણો પોતાના રસોડામાં આ ઝાલ-મુડી શી રીતે બનાવે છે, એની ‘ખાસ સિક્રેટ રેસિપી’ શું છે, તેનાં રીલ્સ બનાવીને અપ-લોડ કરો ! મોદીજી તે જાતે જોઈને તમારાં વખાણ કરશે.

(ભઈ ‘વખાણ’ જ થાય ! ગુજરાતની ‘ધનવાન’ મહિલાઓને મહારાષ્ટ્ર કે બંગાળની જેમ ત્રણ-ત્રણ હજાર થોડા અપાય ?)

*** 

સ્કુલ કેન્ટિનમાં ફરજિયાત :
હવેથી દરેક સ્કુલની કેન્ટિનમાં પિત્ઝા, બર્ગર, મોમોઝ ઉપરાંત ઝાલ-મુડી પણ આપવાની રહેશે ! સ્ટુડન્ટોને આપવા માટેના ઝાલ-મુડી કોન (મોદી સાહેબના ફોટાવાળા) ભાજપ કાર્યાલયેથી મેળવી લેવા.

*** 

મમરા ઉત્પાદન સબસિડી :
ઝાલ-મુડી બનાવવા માટે જે મમરા (મમતા નહીં, યાર) ઉપયોગમાં લેવાનાં છે તે બનાવવા માટે જે ચોખા ખરીદાશે તેની ખરીદીમાં ૨૦ ટકા સબસિડી આપવામાં આવશે.

(ચોખા મમરા માટે જ વપરાયા છે તેની સાબિતી રૂપે દરેક સ્થાનિક અધિકારીને ઝાલ-મુડીનાં દસ-દસ ‘પેકેટ’ આપવાનાં રહેશે.)

(અહીં ‘પેકેટ’ એ કોડવર્ડ નથી ! સમજી ગયા ને ?)

*** 

ઝાલ-મુડી નામકરણ ઝુંબેશ :
સરકારના કોન્ટ્રાક્ટરોએ જેટલા ખખડધજ પુલો, રોડ, મકાનો, ટાંકીઓ વગેરે બાંધ્યા છે તેમાંથી કાંકરા ખરવા માંડે તે પહેલાં જ તેમનાં નામ ‘ઝાલ-મુડી’ કરી નાંખવાનાં છે ! જેથી બધું ખરતું હોય તે જોઈને પ્રજાને મફતનું મનોરંજન મળે !

*** 

બજેટોનું ઝાલ-મુડી કરણ :
જે રીતે મમરા ફૂલી ગયેલા હોય છે એ જ રીતે જ્યારે ૧૦ કરોડના કામનું બજેટ ૧૦૦ કરોડ મંજુર કરવામાં આવશે ત્યારે તેનું ‘ઝાલ-મુડી-કરણ’ થયેલું કહેવામાં આવશે ! જય ઝાલ-મુડી…

(યોજનાઓમાં ‘મુડી’ રોકાણ કરનારાઓ તાત્કાલિક કમલમ્‌માં પહોંચે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments