અમે અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહને સીધો જ સવાલ કર્યો :
‘આ બંગાળમાં જે સત્તાપલટો થયો એના વિશે તમારે શું કહેવું છે ? કંઈક જ્ઞાન આપો.’
‘મન્નુડા, એક નંઈ, તને પાંચ જ્ઞાન દઉં.’
‘ઓહો ?’
‘જો, પહેલું જ્ઞાન… આપણા દેશની પરજા વરસો લગી અવ્યવસ્થા અને રેઢિયાળ વહવટ સહન કરી લેશે’
‘વાત સાચી જ છે.’
‘બીજું જ્ઞાન… ભારતની પરજા અન્યાયને પણ વરસો લગી ખમી લેશે.’
‘હાસ્તો ? કોર્ટોમાં જુઓને, વરસોનાં વરસો લગી ન્યાય ક્યાં મળે છે ?’
‘ત્રીજું જ્ઞાન… પરજા હવે તો ખુલ્લેઆમ ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ સહન કરી જ લ્યે છે.’
‘છે જ ને ? પૂલો તૂટી પડે છે, કાગળ ઉપર જ રોડ બની જાય છે, કરોડોનાં આંધણ છતાં પ્રોજેક્ટો પૂરા જ નથી થતા… છતાં એ જ પક્ષને વોટ મળે છે !’
‘હવે ચોથું જ્ઞાન હાંભળ… આ હંધુય હોવા છતાં પરજા પોતાના ધરમનું સતત અપમાન થાતું હોય ઈ સહન કરી હકતી નથી.’
‘બિલકુલ સાચી વાત. કોંગ્રેસ અને બીજા વિપક્ષો વારંવાર એ ભૂલ કરે છે. મમતાએ પણ એ જ ભૂલ કરી.’
‘અને પાંચમું જ્ઞાન… પરજા ઈ પણ સહન કરી લેશે. પણ જ્યારે સત્તાવાળા એક હદથી વધારે જુલમ કરવા લાગે ત્યારે પરજાનો બાટલો આખરે ફાટે જ છે.’
‘એ પણ પહેલાં બિહારના ગુંડારાજમાં સાબિત થયું અને હવે બંગાળમાં પણ જોવા મળ્યું.’
‘પરંતુ મન્નુડા, ઈના હાટું પરજા પાંહે પ્રોપર વિકલ્પ હોવો જોઈં, બાકી મુગલોના રાજમાં આ હંધુય થાતું ’તું, પણ પરજા પાંહે વિકલ્પ જ ક્યાં હતો ? આમાં ને આમાં બસ્સો વરહ વીતી ગ્યાં.’
‘પણ હવે તો લોકશાહી છે ને ? ભલે પંદર વરસે, પણ લોકો વોટ વડે સરકાર બદલી શકે છે. બંગાળમાં એ જ થયું.’
‘પણ ગુજરાતમાં નંઈ થાય.’
‘કેમ ?’ અમે ચોંકી ગયા.
‘કેમકે મોદીએ ગુજરાતમાં વિકલ્પ જ ક્યાં રે’વા દીધો છે ?’
અમે છક્કડ ખાઈ ગયા ! છતાં દલીલ કરી કે ‘ગુજરાતમાં હજી જુલમ ક્યાં થાય છે ?’
‘શરૂઆત થઈ ગઈ છે મન્નુડા !’ રણઝણસિંહે કહ્યું ‘જોતો નથી ? ભાજપના હારેલા ઉમેદવારું એ જાહેરમાં તલવાર તાણી ! રોડ ખોદાવી નાંયખો ને મંડળીમાં દૂધ સ્વીકારવાની ના પાડી દીધી ! મન્નુભાઈ, તમે જોતા જાવ… આ તો હજી શરૂઆત છે !’
- અમે હજી માથું ખંજવાળી રહ્યા છીએ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment