જે રીતે આઈપીએલમાં લગભગ દર બીજે દિવસે ૨૦૦ થી ૨૫૦ રનના સ્કોર થઈ રહ્યા છે એ જોતાં લાગે છે કે બિચારા બોલરોની શી દશા હશે ?
જોકે સાવ એવું નથી ! સાંભળો આ એક બોલરનો ઇન્ટરવ્યુ…
***
‘તમારી જે રીતે ધોલાઈ થઈ રહી છે તો જોતાં તમને કેવું લાગે છે ?’
‘બહુ જ સારું લાગે છે !’
‘હેં ?’
‘ઓ યસ ! તમે જોજો, આ સિઝનમાં હું સૌથી મોટો રેકોર્ડ કરવાનો છું.’
‘ઓહો ? શેનો રેકોર્ડ ?’
‘સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ! જુઓ, અત્યારે ફાસ્ટેસ્ટ ફોર હંડ્રેડ અને ફાસ્ટેસ્ટ ફાઈવ હંડ્રેડ રન માટે બેટ્સમેનો હરિફાઈ કરી રહ્યા છે. પણ બોલરોનું શું ?’
‘શું, બોલરોનું ?’
‘અરે, અમે બોલરો એમને ફાવતા, ગમતા અને બિલકુલ સ્લોટમાં લોલિપોપ જેવા બોલ નાંખીએ છીએ તો જ આવડા મોટા સ્કોર થાય છે ને ?’
‘હા એ વાત તો સાચી.’
‘એટલે જ કહું છું હું તો આ સિઝન પતે ત્યાં સુધીમાં ૧૦૦૦ રનનો રેકોર્ડ કરી નાંખવાનો છું !’
‘ઓહો, તો તો એના માટે તમે ખાસ તૈયારીઓ કરતા હશો, નહીં?’
‘હાસ્તો ! અમારા કોચ જ અમને સિકસરો અને ચોગ્ગા ફટકારી શકાય એવા બોલ શી રીતે નાંખવા તેની ટ્રેનિંગ આપે છે !’
‘ખરેખર ?’
‘ઇન ફેક્ટ અગાઉ કયા બેટ્સમેનની શી નબળાઈ છે તેની ઉપર ફોકસ હતું. પણ હવે કયા બેટ્સમેનને ફાવતા કેવા બોલ છે તેની જ ઇન્સ્ટ્રક્શનો આપવામાં આવે છે !’
‘ઓહો, આ નવું હોં ?’
‘અરે, હું તો આ વખતે એક ઓવરમાં ૫૦ રન આપવાનો છું.’
’૫૦ રન ? એ તો શી રીતે બને ?’
‘બને ! પહેલા નો બોલમાં સિક્સર આપવાની ! પછી ફ્રી હિટમાં વધુ એક સિક્સર…! એ રીતે !’
‘મતલબ કે બધું બેટ્સમેનો માટે જ થઈ રહ્યું છે.’
‘હાસ્તો ? બિચારો બેટ્સમેન ચોગ્ગા છગ્ગા મારતાં થાકી જાય ત્યારે વાઈડ બોલ નાંખી દેવાનો ! પછી અંપાયર વાઈડ ડિકલેર કરે ત્યારે ‘રિવ્યુ’ માગવાનો ! આમાં ને આમાં બિચારા બેટ્સમેનને સાડા ત્રણ મિનિટનો આરામ મળી જાય છે !’
‘જો આમ જ હોય તો તમે પણ આરામ કરો ને ? શા માટે દોડી દોડીને બોલિંગ કરો છો ? બેઠાં બેઠાં જ બોલ નાંખો ને ?’
‘હેં ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment