જમાના પ્રમાણે બધું બદલાય છે એ સાચું, પણ એમાં ને એમાં આજકાલનાં લગ્નોમાં ‘અડચણો’ બહુ વધી ગઈ છે ! અમારું તો માનવું છે કે હવે હાઈ-ટાઈમ આવી ગયો છે કે અમુક ચીજો બદલવી જ જોઈએ ! દાખલા તરીકે…
***
હાઈ-ટાઈમ છે કે…
વર અને કન્યાને ખભે ઊંચકીને એકબીજાને હાર પહેરાવવાની રમતમાં બબ્બે ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
લગ્ન પત્યા પછી ડેકોરેશનનાં ફૂલો તોડી તોડીને વર-કન્યા ઉપર નાંખવા માટે અલગથી ચાર થાંભલા રેડી રાખવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો અને સગાં સંબંધીઓનું આખું ટોળું માંડવામાં ચાલતી લગ્નવિધિ જોવા જ નથી દેતું… ત્યારે એક અલગ કેમેરા દ્વારા મોટા સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
આખી ઇવેન્ટ પતી ગયા પછી મેદાનમાં જે પેપરકપો, પેપરડીશો, તોડેલાં ફૂલો, એંઠવાડવાળાં ટેબલો, દાળ ઢોળાયેલા સોફાઓ અને વેરવિખેર પડેલા તમામ કચરાની વિડીયોગ્રાફી કરીને ‘સ્વચ્છતા અભિયાન’ દ્વારા દંડ વસૂલવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવેલી હોય ત્યાં સુધી પહોંચવા માટે અને ત્યાંથી પાછા આવવા માટે કાં તો ગમ-બૂટ હોવા જોઈએ, અથવા હોડીની વ્યવસ્થા કરવામાં આવે !
***
અને…
રિસેપ્શનોમાં કવર કે ગિફ્ટ આપીને ફોટા પડાવવા માટે જે લાંબી લાંબી લાઈનો લાગે છે એમાં ઘૂસ મારનારાઓને રોકવા માટે ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment