ફળફળતા ફેક ન્યૂઝ !

લ્યો, આવી ગયા છે આ ગરમાગરમ મૌસમના ગરમાગરમ ફેક ન્યુઝ…

આ ખતરનાક ખબર આવી રહી છે ઔરંગાબાદથી. જ્યાં બપોરનું તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચી જાય છે !

પરંતુ સમાચાર તાપમાન વિશે નહીં બલ્કે ‘ટોર્ચર’ યાને કે ધોળા દિવસે જાહેરમાં એક યુવક સાથે થયેલા અત્યાચારના છે…
તમને જણાવી દઈએ કે આ નિર્દય અત્યાચાર કોઈપણ જાતના હથિયાર વિના થયો છે…

ઘટનાના ઉંડાણમાં જઈએ તો જાણવા મળેલ છે કે એક યુવાનને અન્ય યુવાનો સાથે બોલાચાલી થયા પછી બાકીના યુવાનોએ કિન્નાખોરી રાખીને તેને ભરબપોરે રસ્તે જતાં આંતર્યો હતો.
ત્યારબાદ યુવકનું પેન્ટ ઉતારીને, તેને બળજબરીથી પકડીને નજીકમાં પાર્ક કરેલા બે સ્કુટર તથા બે બાઈકની સીટો ઉપર વારાફરતી બેસાડીને ‘ડામ આપવા’ સમાન કૃત્ય કર્યું હતું !

પરિણામે યુવકના પૃષ્ઠ ભાગ ઉપર લાલ લાલ ફોલ્લા તથા લીલા-ભૂરા ચકામાં ઉપસી આવ્યા હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

હોસ્પિટલના બિછાને ઊંધા સૂતાં સૂતાં તેણે અમારા બેખબરપત્રીને જણાવ્યું હતું કે, હજી મારું પેન્ટ મને પાછું મળ્યું નથી.

પોલીસે તે લુંટાયેલા મુદ્દામાલને શોધવા માટે પ્રયત્નો શરૂ કરેલ છે પરંતુ ઘટનાસ્થળે જે સીસીટીવી કેમેરા હતા તેમાં પાર્ક થયેલાં વાહનોનાં મીરરમાંથી તીવ્ર પ્રતિબિંબો પડતાં હોવાથી આરોપીઓના ચહેરા ઓળખી શકાતા નથી.

જોકે બ્લુ કલરના પેન્ટને ઝડપી લેવા માટે જે તે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી રહી છે.

*** 

વધુ એક ખતરનાક ખબર આવી રહી છે બિહારના પટના શહેરથી…

એક અજબ ગજબની લૂંટની એવી ઘટના બની છે કે તમે જાણીને ચોંકી જશો. જી હા લૂંટ થઈ છે એક લોડિંગ ટેમ્પાના સામાનની…

તમને જણાવી દઈએ કે એ ટેમ્પામાં જે સામાન હતો તે બરફની પાટો હતી !

જીહા, અત્યંત ભારે ગરમીથી ત્રાસેલા ઝુંપડપટ્ટીના લોકોએ છેલ્લા ઉપાય તરીકે મજબૂરીથી આ કદમ ઉઠાવ્યું હોવાનું કહેવાય છે…

ટેમ્પાનો ડ્રાયવર ભાગી છૂટ્યા પછી આ ટોળુ નજીકની આઇસ ફેકટરી પર પહોંચ્યું હતું. પરંતુ પોલીસે સમયસર ત્યાં પહોંચીને નળમાંથી નીકળતા ફળફળતા ગરમ પાણીનો ટોળાં ઉપર ડોલે ડોલે છંટકાવ કરતાં ટોળું વિખેરાઈ ગયું હતું.

***

- મન્નુ શેખચલ્લી

Comments