રણઝણસિંહને 'દગો' થઈ ગ્યો !

‘લો, ચારે બાજુ ભાજપ… ભાજપ થઈ ગયું !’
અમે ચૂંટણીના પરિણામો રણઝણસિંહ સામે ધરીને કીધું : ‘હવે તો પેંડા ખવરાવશોને ?’

રણઝણસિંહ થોડીવાર લગી પોતાની દાઢી પર હાથ પસવારતા બારીની બહાર જોતા રહ્યા પછી ભારે નિસાસો નાંખતા હોય એમ બોલ્યા :

‘પેંડા નહીં મન્નુડા, આ ઝેર છે… ધીમું ઝેર !!’

રણઝણસિંહનો ઇશારો હું સમજી ગયો હોઉં તે રીતે મેં કીધું ‘આ ધર્મના નામે જે ઝેર ફેલાવ્યું છે તેની વાત કરો છો ને ?’

‘ના !’ રણઝણસિંહ બોલ્યા : ‘ઝેર ફેલાયું છે વિપક્ષમાં ! અને ઈ ઝેરનું નામ છે દગો !’

અમે ફરી હિન્ટ ઝડપી લીધી. ‘આ એક હજાર જેટલી સીટો સાવ બિનહરીફ ચૂંટાઈ ગઈ એની વાત કરો છો ને ? કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની જ પાર્ટીને દગો દીધો !’

‘દગો પરજા હારે થઈ રિયો છે મન્નુડા !’

‘અને કોણ કરી રહ્યું છે દગો ?’

‘બંને પાર્ટીયું ! ભાજપ અને કોંગ્રેસ બન્ને ! એમાંય કોંગ્રેસનો દગો મોટો છે.’

‘અચ્છા ? કઈ રીતે ?’

‘અલ્યા જોતો નથી ? દર પંદર દહાડે એક કૌભાંડ બહાર આઈવું છે… ક્યાંક પુલ તૂટી પડ્યો, ક્યાંક આખી નવી નક્કોર ટાંકી તૂટી પડી, પંચમહાલમાં આખેઆખી સડક ઓન પેપર બનાવીને ઇના રૂપિયા ખવાઈ ગ્યા, મોરબીમાં લોકોના જીવ ગ્યા છતાં ધૂળ પર લીંપણ થઈ ગ્યું… નકલી જજ, નકલી પોલીસ, નકલી ડીગ્રી, નકલી અધિકારી… નકલી ટોલનાકુ… અરે આખે આખી નકલી સરકારી ઓફિસ !’

‘હા એ સાચું…’

‘અરે, ઓલી ખ્યાતિ હોસ્પિટલમાં હાજા નરવા લોકોનાં ઓપરેશનું થઈ ગ્યાં ! આટઆટલું થ્યું ત્યારે કોંગ્રેસ શું કરતી ’તી ? ભજન ? એમની જગ્યાએ ભાજપ હોત તો દેકારો મચાવી દીધો હોત કે નંઈ ?’

‘એટલે… કોંગ્રેસે ઢીલાશ તો બતાડી જ છે.’

‘અને ઈ ઢીલાશનું મૂળ કારણ છે, ઝેર ! નમાલાપણાનું ઝેર !’

‘પણ આમાં તો -’

‘આખેઆખી નેતાગિરી જ ફૂટેલી હોય તો બિચારી પરજા જાય ક્યાં ?’

‘એટલે તમે શું કહેવા માગો છો ? કોંગ્રેસ જ ફૂટી ગઈ છે ?’

‘જો મન્નુડા, ૯૯.૯૯ ટકા લોકો રાજકારણમાં શા માટે આવે છે ? રૂપિયા બનાવવા, રાઈટ ? પણ જો એ રૂપિયાનું સેટિંગ ખુદ ભાજપ જ કરી આપે તો મહેનત કોણ કરે ? આ જ છે દેશના પોલિટીક્સનું ‘ગુજરાત મોડલ’ ! છૂટક વોટ નહીં, જથ્થાબંધ નેતાગિરી જ ખરીદી લેવાની ! સબ કા સાથ, સબ કા વિકાસ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments