બોલો, આવા ધોમધખતા ઉનાળામાં લોકો પરણી રહ્યા છે ! (અહીં ‘રેડ એલર્ટ’ કોના માટે છે ? પરણનારા માટે ! પણ કુંવારાઓ સમજશે નહીં અને પરણેલાઓ ચેતવશે નહીં !)
સૌથી મોટો સવાલ અમને એ થાય છે કે લગ્નોનાં તમામ મહૂરતો ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીની ખુશનુમા મૌસમમાં કેમ નથી હોતાં ? (વરસો પહેલાં આટલું ગ્લોબલ વોર્મિંગ નહોતું, ભૈશાબ ! હવે તો પંચાગ બદલો ?)
આ સિવાય અમુક સાદા પ્રશ્નો છે…
***
આ વડીલો…
આટલી સખત ગરમીમાં વર-કન્યાના બાપાઓ, કાકાઓ, મામાઓ વગેરે શું હિસાબે બંધ ગળાના જોધપુરી કોટ પહેરતા હશે ?
***
આ કેટરિંગવાળા…
દાઢી છોલી ના હોય… વાળ ફેંદાયેલા હોય, નખ પણ કાપ્યા ના હોય અને પગમાં મેલા સ્લીપર પહેર્યા હોય એવા કેટરિંગવાળા છોકરાઓને કયા લોજિકથી ‘ટાઈ’ પહેરાવવામાં આવે છે ?
***
આ ફોટોગ્રાફરો…
નવા પરણેલા કપલ પાસે ઉભા રહીને પોઝ આપતાં આપતાં આપણાં સ્માઈલો હજાર વોલ્ટમાંથી ઝીરોના બલ્બ જેવાં થઈ જાય ત્યારે જ કેમ ફ્લેશ ઝબકાવે છે ?
***
આ ડીજેવાળો…
એને એવી તે શું ઉતાવળ હોય છે કે કોઈપણ ગાયન ૯૦ સેકન્ડથી વાગવા જ નથી દેતો ?
***
આ રસોઈયાઓ…
એમનું તો મને કદી સમજાતું નથી. ભૈશાબ, જે પુરીઓ અમારે બપોરે બાર વાગે ખાવાની છે, તેને આ લોકો છેક સવારે પાંચ વાગે તળીને કેમ મુકી રાખે છે ?
***
અને ગોર મહારાજો…
પોતાને એવા તે શું સોનુ નિગમો, ઉદિત નારાયણો કે કુમાર સાનુઓ સમજતા હશે કે પોણો પોણો કલાક સુધી મોંમાં માઈક ખોસીને મંગલાષ્ટકો ગાયા કરતા હશે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment