‘ગ્લોબલ વોર્મિંગ’નું નામ બદલીને ગ્લોબલ ‘વોર્નિંગ’ કરી નાંખો તો પણ માણસ જાત સુધરવાની નથી !
અમને તો એવી ઇન્ટરનેશનલ કોન્ફરન્સોમાં એસીની હવા ખાવા પણ કોઈ બોલાવતું નથી પરંતુ ઘરના પંખાની હવા ખાતાં ખાતાં અમને કેટલાંક ગરમાગરમ સત્યો લાધ્યાં છે ! સાંભળો…
***
એક :
જે છોકરો આ જનમમાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધા પછી બાટલો ભરીને પાછો મુકતો નથી એને આવનારા જનમમાં ‘બાટલી’ સાથે ગ્લાસમાં નાંખવા માટે બરફ પણ નહીં મળે ! લખી રાખજો.
***
બે :
બગડેલા એસીવાળી કેબિનમાંથી બહાર આવી રહેલો બોસ, અને ભરબપોરે બહારથી ઘરમાં આવી રહેલી પત્ની સાથે જીભાજોડી કરવામાં ‘રેડ એલર્ટ’ જેવું જોખમ હોય છે !
***
ત્રણ :
તમે માર્ક કરજો, જે દયાળુ લોકો શિયાળામાં ફૂટપાથ પર સૂતેલા ગરીબોને ધાબળા વહેંચવા નીકળી પડે છે એ જ લોકો ઉનાળાની બપોરે ગરીબોને સાદો બરફગોળો વહેંચવા પણ બહાર નીકળતા નથી !
***
ચાર :
તમે એ પણ માર્ક કરજો કે ગેસનો બાટલો લેવા માટે લોકો બબ્બે કલાક સુધી તડકામાં ઊભા રહી શકે છે પણ એક વોટ આપવા માટે દસ મિનિટ માટે પણ ઊભા રહેશે નહીં !
***
પાંચ :
વધુ એક કઠોર સત્ય સમજી લો…
જેણે ગયા જનમમાં સારાં કર્મો કર્યાં હશે તેને આ જનમમાં ગરીબ હોવા છતાં એરકન્ડીશન્ડ ઓફિસમાં પટાવાળાની નોકરી મળે છે…
અને જેણે ગયા જનમમાં પાપ કર્યાં છે તેને આ જનમમાં બહુ સારા પગારની છતાં ડોર-ટુ-ડોર સેલ્સમેનની જ નોકરી મળે છે !
***
છ :
અને છેલ્લું સત્ય… તમારા કિચનમાં જે ‘તપેલી’ છે એ સ્ટેનલેસ સ્ટીલની જ હોય, એ જરૂર નથી ! ….. સાવધાન !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment