તમે હિન્દી ન્યુઝ ચેનલો જુઓ છો ? એમાં અમુક વાક્યો વારંવાર એવા કર્કશ અવાજે રીપીટ થયા કરતા હોય છે, કે એમને એમની જ ભાષામાં જવાબ આપવાનું મન થઈ આવે છે !
***
ચેનલો
‘આપ દેખ સકતે હૈં… આપ દેખ સકતે … આપ દેખ સકતે હૈં…’
આપણે :
હા, બેન ! જોવા માટે જ તો અમે ટીવી ખરીદ્યું છે !
***
ચેનલો
‘ચલિયે આપ કો લે ચલતે હૈં હોર્મુઝ…’
આપણે :
એક મિનિટ મેડમ ! અહીં અમારે સોફામાં બેઠાં બેઠાં સીટ બેલ્ટ જાતે બાંધવાનો ? કે પછી લાઈફ જેકેટ તમે પહેરાવશો ?
***
ચેનલો
‘બ્રેકિંગ ન્યુઝ.. બ્રેકિંગ ન્યુઝ… બ્રેકિંગ ન્યુઝ…’
આપણે :
પચાસ વરસ થઈ ગયાં… એકાદ વાર ‘જોઈનીંગ ન્યુઝ’ તો બતાડો ?
***
ચેનલો
‘અગર આંકડો કી બાત કરેં.,..’
આપણે :
ના ! તમારી વાતોના ‘આંકડા’ કાઢો ને ? આવું ને આવું દિવસમાં કેટલા ડઝન વાર બોલો છો ?
***
ચેનલો
‘કહીં ન કહીં યહ બાત ઉભર કર સામને આતી હૈ…’
આપણે :
અચ્છા ? એકાદ વાત તો એવી હશે ને, જે ‘ડૂબકર’ પીછે જાતી હો ?
***
ચેનલો
‘સૂત્રોં સે પતા ચલા હૈ…’
આપણે :
હા પણ કયાં સૂત્રો ? કેમિસ્ટ્રીનાં કે મેથ્સનાં ? ઈ ઇઝ ઇકવલ ટુ એમસી સ્ક્વેર ? કે પછી ભાજપનું સૂત્ર ‘સબ કા સાથ, સબ કા વિકાસ ?’
***
ચેનલો
‘ઇસ પર અબ સવાલિયા નિશાન લગ ચૂકા હૈ…’
આપણે :
હવે તમે ‘ફૂલ-સ્ટોપ’નું નિશાન ક્યારે લગાડશોઓઓ???
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment