હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ જ ગઈ છે તો એની પાછળનું સિક્રેટ પણ ખુલ્લું કરી દેવું જોઈએને ? શું હતી ઉમેદવારો પસંદ કરવાની રીત ?
***
ભાજપની રીત :
ઉમેદવારોની પસંદગીમાં નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
(૧) શું ઉમેદવાર કહ્યાગરો છે ?
(૨) બહુ દોઢ-ડાહ્યો તો નથી ને ?
(૩) પોતાના એરિયામાં ખાસ જાણીતો તો નથી ને ?
(૪) જો એને પસંદ નહીં કરીએ તો પાર્ટીમાં બળવો કરીને તાયફા તો નહીં કરે ને ?
(૫) ‘હા મેં રાજકારણમાં પૈસા બનાવ્યા છે’ એવું જાહેરમાં બોલીને બફાટ તો નહીં કરે ને ?
(૬) સોશિયલ મિડીયામાં જે ફોલોઅર્સની સંખ્યા બતાડી છે એ સાચી છે કે ખરીદેલી ?
(૭) રીલ્સ જાતે બનાવે છે કે એજન્સી રાખી છે ?
(૮) જરૂર પડે ત્યારે કેટલી રકમના ટાર્ગેટનો ‘ફાળો’ ઉઘરાવી શકે તેમ છે ?
(૯) સરકારી અધિકારીઓ જોડે પોતાનું ડાયરેક્ટ સેટિંગ પાડી નાંખે એવો તો નથીને ?
(૧૦) અને છેલ્લે, સાહેબનો ભક્ત તો છે ને ?
(૧૧) છતાં જો પાર્ટીની અંદર બહુ મોટો વિરોધ થાય તો બદલી પણ નાંખીએ… હા !
***
કોંગ્રેસની મેથડ :
(૧) રેસનો ઘોડો છે કે વરઘોડાનો ?
(૨) વરઘોડાનો ઘોડો હોય તો દિલ્હીના ઈશારે નાચી શકશે ને ?
(૩) રેસનો ઘોડો હોય તો ક્યાંક ભાગી તો નહીં જાય ને ?
(૪) પોતે ચૂંટાયા પછી ભાજપમાં નહીં જોડાઈ જાય એવી ખાતરી આપનારા પાંચ ‘ભાજપી’ નેતાઓને રજુ કરી શકશે ?
(૫) પાર્ટીનો મેન્ડેટ સમયસર મેળવીને સમયસર ફોર્મ ભરી શકે એટલી આવડત છે ખરી ?
(૬) પોતાનું અપહરણ ના થઈ જાય એના માટે કોઈ રિસોર્ટવાળાની ઓળખાણ ખરી ?
(૭) રીસોર્ટમાં સ્વિમીંગપુલ ખરો ? (સોરી, આ સવાલ કેન્સલ ગણવો.)
(૮) અને છેલ્લે… રાહુલજીનાં ભાષણો સાંભળતી વખતે હસવા ઉપર કાબૂ રાખી શકે છે કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment