રેડ એલર્ટની પ્રેક્ટિકલ ગાઈડલાઈનો !

આવનારા દિવસોમાં ગરમી બેફામ વધવાની છે ! સરકારે આપણી તબિયત જાળવવા માટે અમુક ગાઈડ લાઈનો બહાર પાડી જ છે, પરંતુ અમારી ગાઈડ લાઈનો વધારે પ્રેક્ટિકલ છે ! સમજી લો…

*** 

તડકામાં પડી રહેલા સ્કૂટર અથવા બાઈક ઉપર બેસતાં પહેલાં તેની સીટ ઉપર ભીનું કપડું ફેરવવાનું ભૂલતા નહીં !

(નહીંતર ‘પાછળથી’ અમને યાદ કરશો !)

*** 

એ જ કોર્પોરેટરો તથા ધારાસભ્યોએ જે પોતાનાં નામોવાળા બાંકડા મુકાવ્યા છે, તેની ઉપર બેસતાં પહેલાં હથેળી વડે તાપમાન ચેક કરી લેવું !

(નહીંતર બાંકડા ઉપર જેનું નામ છે એને જ ગાળો પડશે !)

*** 

આ દિવસો દરમ્યાન રાજકીય ચર્ચાઓ કરવાનું ટાળો ! તમે ભાજપ - તરફી હો તો કોંગ્રેસ – તરફીથી આઘા રહો. (સોશિયલ ડિસ્ટન્સ જાળવો !) એ જ રીતે કોંગ્રેસ તરફી હો તો ભાજપ-તરફી ટોળાંઓ વચ્ચેથી છટકી જાઓ !

*** 

કોઈપણ તરફી હો, મહેરબાની કરીને આ થોડા દિવસ માટે ગેસના બાટલાનો ટોપિક ઘરમાં, ખાસ તો પત્ની આગળ કાઢશો નહીં ! 

(નહીંતર મગજનો બાટલો ફાટી જશે.)

*** 

ચૂંટણીના પ્રચાર માટે ફરતો ઉમેદવાર દેખાય તો તન-મન- અને ધન ઉપર કાબુ રાખવો ! તન-મન પર કાબૂ રાખવાથી આંતરિક ગરમી વધતી અટકશે. અને ‘ધન’ પર કાબુ રાખવાથી મફતમાં ઉમેદવાર દ્વારા ચા-નાસ્તો મળી શકે છે.

*** 

જો આર્થિક તથા માનસિક ફાયદો ના થવાનો હોય તો ચૂંટણી પ્રચારની રેલીમાં જવાનું ટાળો. 

(કેમકે રહેવાનું હાજર, પણ મળવાનું છે ગાજર !)

*** 

બપોરના સમયે ઘરથી બહાર નીકળવું નહીં, સિવાય કે પત્નીએ બરફ લેવા મોકલ્યા હોય !

*** 

… અને ફ્રીજનું પાણી પીધા પછી ખાલી બાટલો ભરીને જ પાછો મુકવો… કેમકે આમાં પછી સરકાર પણ બચાવવા આવતી નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments