એક તો ઉનાળો આવ્યો, ઉપરથી ચૂંટણી આવી, એટલે હવે બંને પ્રકારના ‘આમ’ના ભાવ વધી જવાના ! એક તો ‘આમ’ એટલે કેરી અને બીજા ‘આમ’ એટલે સામાન્ય મતદાર… અહીં તો આમ આદમી પાર્ટી પણ છે !
ટુંકમાં ‘આમ’ સાથે જોડાયેલા શબ્દોના અર્થ ફરી ગયા છે. જુઓ…
***
‘આમ-રસ’
બિચારી ભારતની આમ જનતાને ત્રણ જ બાબતમાં રસ પડે છે. ક્રિકેટ, ફિલ્મો અને પોલિટીક્સ ! પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓને પણ આમ જનતામાં ‘રસ’ પડવા માંડે છે !
***
‘આમ-ફલ’
જનતા બિચારી પોતાની હાલત સુધરશે એમ માનીને નેતાઓને જે ‘ફળ’ આપે છે તેને ‘મત’ કહેવાય છે.
પરંતુ ગીતામાં ઓલરેડી લખેલું છે કે ‘ફલ’ કી ચિંતા ‘મત’ કર ! કેમકે નેતાઓ માટે તો ‘મત’ એ જ ‘ફલ’ છે ! (એટલે જ તો ચૂંટાતાંની સાથે જ ‘ખાવા’ લાગે છે.)
***
‘આમ-ચોરી’
ચૂંટણી વખતે બોગસ વોટિંગ, રૂપિયા-દારૂ વગેરેની લાલચ અને મતદાર યાદીમાંથી લાખો નામ ગાયબ કરવાં… આને કહેવાય છે ‘આમ-ચોરી’ !
***
‘આમ-ચૂર’
આ વખતે ચૂંટણી પછી આવે છે – જ્યારે પ્રજાની લાગણીનો ભૂક્કો બોલાવીને તેને ચૂર-ચૂર કરી નાંખવામાં આવે છે.
***
‘આમ-પિત્ત’
આ છે આમ જનતાનો પિત્તો ! આ પિત્તો આમ તો ભાગ્યે જ જાય છે, જેમકે ઇમરજન્સી પછી ગયો હતો ! પણ નેતાઓ આનો ઉપયોગ કોમી ઉશ્કેરણી માટે પણ કરી જાણે છે.
***
‘આમ-ને-આમ’
બસ ત્યારે… આમ ને આમ ભારતની લોકશાહીને ૭૯ વરસ થઈ જવાનાં ! જલ્સા કરો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment