આઈપીએલના ગુપ્ત નિયમો !

તમને શું લાગે છે, આઈપીએલની બધી મેચો ચોક્કસ રીતે ‘ફિક્સ’ થયેલી છે ? ના ! હકીકતમાં આઈપીએલની મેચો માટે અમુક સિક્રેટ નિયમો છે...

*** 

નિયમ નંબર (૧)
મોટાં મોટાં નામ ધરાવતા પ્લેયરો આખી સિઝનમાં એકાદ બે મેચમાં જ ઝપાટો બોલાવશે ! બાકી જે નવા સવા અથવા ખાસ ફેમસ નથી એવા પ્લેયરો જ મેચમાં જમાવટ કરતા દેખાશે !

*** 

નિયમ નંબર (૨)
જે બેટ્સમેનનો કેચ ‘શંકાસ્પદ’ રીતે ૭-૮ રન ઉપર હોય ત્યારે જો છૂટી ગયો તો તે ડેફીનેટલી ૫૦-૬૦ રન ઠોકી જશે !

*** 

નિયમ નંબર (૩)
જે બોલરે શરૂઆતમાં એકદમ ‘ટાઈટ’ બોલિંગ કરી છે એ જ બોલર ૧૭મી, ૧૮મી કે ૧૯મી ઓવરમાં ૧૫-૧૫ રન આપી દેશે !

*** 

નિયમ નંબર (૪)
૨૦મી ઓવરનો એક ફિક્સ નિયમ છે કે શરૂઆતના ત્રણ બોલમાં માંડ બે રન જશે. પણ પછી ધનાધન સળંગ બે સિક્સરો પડી જશે !

*** 

નિયમ નંબર (૫)
જે ઓવરમાં ખાસ કંઈ થવાનું જ નથી, (આ નક્કી હોય છે) ત્યારે જ બાઉન્ડ્રીની બહાર ઊભેલા કોઈ કોચનો બોરિંગ ઇન્ટરવ્યુ લેવામાં આવશે !

*** 

નિયમ નંબર (૬)
જો ૧૫મી ઓવર સુધી ધનાધની ચાલી હોય તો છેલ્લી પાંચ ઓવરમાં ધડાધડ વિકેટો પડશે ! અને જો ૧૫ ઓવર સુધી ઠીચૂક ઠીચૂક ચાલ્યું તો છેલ્લી ચાર ઓવરમાં ૫૦થી ૬૦ રન ઝૂડાઈ જશે !

*** 

નિયમ નંબર (૭)
૬ઠ્ઠી ઓવરના અંતે, ૧૫મી ઓવરના અંતે અને ૨૦મી ઓવરના અંતે લોકોએ જે ટોટલ ધાર્યું હોય તે તો નહીં જ થાય !

*** 

નિયમ નંબર (૮)
ઉપરના તમામ નિયમોમાં ચેતવણી આપ્યા વિના અચાનક ફેરફારો કરવાના તમામ હક્ક ફિક્સરોના રહેશે ! સમજી ગયાને?

***

- મન્નુ શેખચલ્લી

Comments