પ્રો-ધૂરંધર... એન્ટિ-ધૂરંધર !

સોશિયલ મિડીયામાં પણ આજકાલ યુદ્ધ ફાટી નીકળ્યું છે ! એક બાજુ ‘ધૂરંધર’ ફિલ્મના ચાહકો છે તો બીજી બાજુ એના વિરોધીઓ છે !

આમ જોવા જાવ તો બંને ‘ટ્રોલ-ટપોરિયા’ છે. જુઓ, એમના દિમાગમાં શું ચાલી રહ્યું છે…

*** 

સવારે ઉઠતાંની સાથે જ ‘ધૂરંધર-ટુ’ની કમાણીના આંકડા જોઈ લીધા. એમાં બીજા ૧૦૦-૨૦૦ કરોડ ઉમેરીને તમામ ગ્રુપમાં ઠપકારી દીધા ! સવારનું કામ પુરું થયું…

*** 

ઉઠ્યો  તરત જ ‘ધૂરંધર-ટુ’ની કમાણીના આંકડાનો સ્ક્રીન-શોટ લઈને નીચે બોલ્ડ અક્ષરોમાં કોમેન્ટ કરી નાંખી : ‘રાત્રે બે વાગે જાગીને ઉજાગરા કરનારા આટલા બધા મુરખાઓ દેશમાં છે ? આંકડાઓ સાવ ‘ટાઢા પહોરનાં’ (મારું ‘પન’ જોયું?) ગપ્પા છે !’

*** 

ચા પીતાં પીતાં મેં બોલીવૂડની દેશદ્રોહી ગેંગ સામે મારી એકસો બત્રીસમી પોસ્ટ લખી નાંખી : ‘એમની ઊંઘ હરામ થઈ ગઈ છે ! ફિલ્મ દીઠ ૫૦૦-૫૦૦ કરોડ માંગનારા હવે ‘કડકા’ થઈ જવાના છે !’

જોકે એ પછી ફોનમાં બેલેન્સ પતી ગયું હોવાથી મેં એક કાર્યકર્તાને રિ-ચાર્જ માટે મેસેજ કર્યો પણ એણે રિપ્લાય કર્યો નહીં…

*** 

ચા પીધા પછી તમામ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની પોસ્ટ વાંચ્યા વિના જ કોપી-પેસ્ટ કરીને બધા ગ્રુપોમાં વહેતી કરી દીધી છે…

કેમકે વાંચવા રહું તો માથું ચડી જાય એવી ‘અઘરી’ ભાષા હોય છે ! અને બીજી ચા માટે પત્નીને કહું તો એનો મૂડ બગડી જશે…

***

‘’ફિલ્મમાં એક ટકો પણ પ્રોપોગેન્ડા નથી… બધું જ સત્ય છે… છેલ્લા પંદર દિવસથી આવો પ્રોપોગેન્ડા ચલાવું છું, છતાં મને હજી કોઈએ ‘ધૂરંધર-ટુ’ની એક ટિકીટ પણ મોકલાવી નથી !

શું મારે મારી દેશભક્તિ માટે ૨૦૦ રૂપિયાનો ભોગ આપવો પડશે?

*** 

એકચ્યુઅલી, ‘ધૂરંધર-વન’માં એવું તે વળી શું જોવા જેવું છે ? એવો લેખ લખવા માટે મેં બાર વખત જોયેલી… પણ આ વખતે હજી કોઈ લિબરલે કે બોલીવૂડના ચાહકે મને ફિલ્મની ટિકીટો મોકલાવી નથી. 

હવે મુવી જોયા વિના ક્યાં સુધી લખ્યા કરવાનું…

***

- મન્નુ શેખચલ્લી

Comments