‘અચ્છે દિન આયેંગે’થી લઈને ‘ગેસની જરાય અછત નથી’… એવા તમામ જુમલાઓ હકીકતમાં તો એપ્રિલ ફૂલ જ હતા ! છતાં આજે ૧લી અપ્રિલ છે એટલે મનોરંજક છતાં માનવાનું મન પણ થાય, એવા એપ્રિલ ફૂલ…
***
ગેસની તંગી દૂર કરવાના ઝનૂનમાં ભારતે એટલા બધા દેશો પાસેથી એટલાં બધાં જહાજો ભરી ભરીને ગેસ મંગાવ્યો છે કે હવે એ વધી પડેલા સ્ટોકની જાહેર હરાજી કરવામાં આવશે…
રસ ધરાવનાર પાર્ટીઓએ પોતપોતાનાં ખાલી સિલિન્ડરો લઈને પહોંચી જવું !
***
બાટલાની તંગી વચ્ચે ‘બાટલી’ના શોખીનો માટે ખુશખબર છે ! હવેથી પરમિટ ધરાવનારા વ્યક્તિઓને ઓનલાઈન બુકિંગ ઉપર ઘેરબેઠાં ‘હોમ-ડીલીવરી’ વડે બાટલીઓ પહોંચાડવાની છૂટ આપવામાં આવી છે
ગુજરાતના બુટલેગર એસોસિએશને આ વ્યવસ્થા માટે આખા ગુજરાતમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ગોઠવી આપવાની જવાબદારી માથે લીધી છે. સાથે સાથે ‘તત્કાલ’ ધોરણે ઓરીજીનલ જેવી નકલી પરમિટ પણ નજીવા ચાર્જથી ઓનલાઈન મેળવી શકાશે…
(દારૂ અસલી હશે કે નકલી તેની કોઈ ગેરંટી નથી.)
***
રાંધવા માટેના ફ્યુઅલની અછત દૂર થઈ જ ગઈ છે ! છતાં ‘ભવિષ્ય’ને ધ્યાનમાં રાખીને છાણાં ઉદ્યોગ તેમજ ગોબર-ગેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ‘ગૌ-ગોબર’ તથા ‘ભેંસ-ગોબર’ યોજના હેઠળ ૧૦-૧૦ લાખની બે કરોડ લોનો આપવામાં આવશે.
આ યોજનાની વિશેષતા એ છે કે લોન મેળવનાર પાસે ઢોર બાંધવા માટેની જમીન હોવી જરૂરી નથી. એપાર્ટમેન્ટમાં રહેનારને પણ લોન મળી શકશે.
માત્ર એક જ શરત છે કે લોન લેતી વખતે આખેઆખું ‘વંદે માતરમ્’ ગાઈ બતાડવું પડશે. અને લોન લીધા પછી દિવસમાં દસ વાર ‘ભારત માતા કી જય’ બોલીને તાજા વિડીયો અપલોડ કરવાના રહેશે.
- બોલો, હેપ્પી એપ્રિલ ફૂલ !!!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment