અમારા 'સ્ટુપિડ' સવાલો !

જાણકાર લોકો આજકાલ અઘરા સવાલો કરી રહ્યા છે : શું ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થશે ? શું ગેસની અછત ઊભી થશે ? શું લોકડાઉન થશે ? શું ભગવાન ટ્રમ્પને સદ્‌બુદ્ધિ આપશે ?

વેલ, છેલ્લો સવાલ તો જોક છે, પણ આજકાલ અમને સાવ ‘સ્ટુપિડ’ સવાલો થઈ રહ્યા છે. સાંભળો…

*** 

મોદીજીએ ઈરાનના વડાપ્રધાન સાથે ફોનથી વાત કરી… પુતિને મોદીજી સાથે ફોન પર વાત કરી… શાહબાજ શરીફે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી… પુતિને ઇરાનના સુપ્રીમો સાથે ફોન પર વાત કરી… સાઉદી અરેબિયાના પ્રિન્સે તો ટ્રમ્પ સાથે એક કલાક સુધી ફોન પર વાત કરી….

અમને એક જ સવાલ થાય છે કે વોટ્સએપમાં તો કોલિંગ ફ્રી જ છે, તો યાર, બધા એકબીજાને કોન્ફરન્સમાં લઈને આખી વાત પતાવોને ?

શું કહો છો…

*** 

ઈરાનમાં વોટ્સએપ બંધ છે, ફેસબુક બંધ છે, ઇન્સ્ટાગ્રામ બંધ છે, યુ-ટ્યુબ બંધ છે, ટિંડર, ટિક-ટોક, પબ્જી… બધું બંધ છે…

તો યાર, ભૂતાનની જેન-ઝિ પેઢીને પણ સવાલ થાય છે કે ઈરાનની જેન-ઝિ આટલા દિવસમાં ‘ક્રાંતિ’ કરીને સત્તાપલટો કેમ નથી કરી શકતી ?

જોકે અમને લાગે છે કે ઇરાનની જેન-ઝિ છેલ્લા ૩૦ દિવસમાં પાંચ છ વાર ક્રાંતિ કરી જ ચૂકી છે ! પણ બોસ, જ્યાં ઇન્ટરનેટ જ બંધ હોય તો દુનિયાને ખબર જ ના પડે ને ? હેં… હેં… હેં…

શું કહો છો…

*** 

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ વધીને ૩૩૦ રૂપિયે લિટર થઈ ગયા છે !

હું શું કહું છું, શાહબાજ શરીફે ડાયરેક્ટ ભારતની પેટ્રોલિયમ કંપની જોડે વાત કરીને ઇન્ડિયાથી જ પેટ્રોલ મંગાવીને પાકિસ્તાનમાં ૩૩૦ રૂપિયે વેચવાનું સેટિંગ પાડી દેવું જોઈએ ને ?

ડાયરેક્ટ ૩૦૦ ટકાનો નફો છે બોસ !

સિંધુ નદીનાં પાણીમાં શું દાટ્યું છે, હેં ? શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments