વૉર નાં અન્ય હથિયારો !

ઇરાન-ઇઝરાયેલ-અમેરિકાના યુદ્ધમાં જીવતા જાગતા સૈનિકો તો હજી આઘા જ બેઠા છે ! (એમના પગારો બંધ ના થઈ જાય તો સારું) પરંતુ મિસાઈલો, ડ્રોન એ બોમ્બ સિવાય પણ બીજાં હથિયારો છે… આ યુદ્ધમાં !

*** 

મિડીયા બોમ્બર્સ :
સાચું શું છે એની તો આપણને ખબર જ નથી પડતી ! બંને તરફનાં મિડીયા ચલાવે રાખે છે કે સામેવાળાનો કચ્ચરધાણ નીકળી રહ્યો છે ! સામેવાળા આર્થિક રીતે પાયમાલ થઈ ગયા ! સામેવાળાનાં મિસાઈલો ખૂટી પડ્યા ! સામેવાળાના પોતાના જ દેશમાં ભારે વિરોધ છે ! વગેરે…

*** 

મિમ મિસાઇલ્સ :
આખી દુનિયાના મોબાઈલ યુઝર્સના મનોરંજન માટે રોજનાં ડઝનના હિસાબે ‘મિમ્સ’નો મારો થઈ રહ્યો છે ! આમાં ટ્રમ્પ, નેતન્યાહુ અને ખોમેનેઈ તો હોય જ પણ વગર લેવેદેવે મોદી, મેલિના અને કિમ જોંગને પણ ગરબા રમાડી નાંખે છે !

*** 

અફવા એટેક :
આને ગુપ્ત વૉર સ્ટ્રેટેજીની ભાષામાં ‘મોબ મોબિલાઈઝેશન’ કહે છે. જેના લીધે લોકો બબ્બે કલાક સુધી પેટ્રોલ ડીઝલની લાઈનોમાં ઊભા રહે છે ! એ તો ઠીક, વીસ-વીસ કિલોના લોખંડી બાટલા ખભે ઉપાડીને દોટ મુકે છે ! બોલો.

*** 

મંજુરી’ મિસાઈલ્સ :
જે કામ મહિનાઓથી ચાલી જ રહ્યુ હોય તેને ટ્રમ્પ ‘મંજુરી’ આપે છે ! જે જહાજો મંજુરી વિના જ આવી શકતાં હતાં તેને ‘મંજુરી’ મળ્યાના ખુશખબરથી પેંડા વહેંચાય છે ! અને અધધધ ૩૦ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી ધરાવતા અમેરિકાનું બિચારું પેન્ટાગોન માત્ર ૨૦૦ બિલિયન ડોલરની ‘મંજુરી’ માટે કરગરી રહ્યું છે !

*** 

ડીપ ફેક ડ્રોન્સ :
ઓબામા ભારતનાં વખાણ કરતા હોય, મોદી ઈરાનને લલકારતા હોય, નેતન્યાહુ લોહીલુહાણ થઈ ગયા હોય અને શાહબાઝ શરીફની આંખોમાં આંસુડાં ટપકતાં હોય… આ બધા ફેક વિડીયો વચ્ચે વળી ટ્રમ્પ ગાળો બોલતા હોય એવો કોઈ વિડીયો સાચો પણ હોય ! હદ છે ને…

*** 

ભવિષ્યવાણી ભડાકા :
આ બધા વચ્ચે દર ત્રીજે દિવસે ભારતનો કોઈ જ્યોતિષી નવી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી નાંખે છે ! જેનો મૂળ હેતુ તો વધારે ‘વ્યુઝ’ ‘લાઈક્સ’ અને ‘સબસ્ક્રાઈબર્સ’ મેળવવાનો હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments