વૉર પંચાત... ઓનલાઇનના ઓટલે !

ન્યુઝ ચેનલોમાં અને સોશિયલ મિડીયામાં જેટલા ‘એક્સ્પર્ટો’ છે એના કરતાં વધારે ‘જાણકારો’ ફેસબુકમાં બેઠા છે ! સાંભળો એમનું જ્ઞાન…

*** 

‘જોયું ? ટ્રમ્પે યુધ્ધ શરૂ થતાંની સાથે જ ભારતને રશિયા પાસેથી ઓઇલ લેવાની મંજુરી આપી દીધીને ?’

‘હા ભાઈ હા ! આ તો સારું છે કે ટ્રમ્પ સાહેબે સૂર્યને પણ રોજ ઉગવાની મંજૂરી આપી રાખી છે ! બાકી આપણે તો અંધારામાં જ રહ્યા હોત ને ?’

‘તમે હજી સમજતા નથી. મોદી સાહેબની કૂટનિતીને કારણે વોરના આટલા દિવસ પછી પણ પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા નથી.’

‘પણ ગેસના બાટલામાં રાતોરાત ૬૦ રૂપિયા વધી ગયા એનું શું ?’

‘એમાં એવું છે કે સરકારે વધુ ઉત્પાદન કરવાની મંજુરી આપી દીધી છે !’

‘અચ્છા ! ટ્રમ્પે મંજુરી આપી છે એ જ રીતે ને ?’

‘તમે સમજતા નથી. ભારતના વપરાશનો ૬૫ ટકા એલપીજી ગેસ વિદેશોમાંથી આવે છે.’

‘પાંસઠ ટકા ? બોસ, ઓઈલ તો એંશી ટકા વિદેશથી આવે છે. તો એમાં તમારી કૂટનિતી બહુ સારી ! અને ઘેર ઘેર વપરાતા ગેસમાં ૬૦ રૂપિયા વધારી દીધા એમાં ?’

‘એમાં જ તો સરકારી ‘અદા’ની અસલી રીતભાત દેખાઈ આવે છે !’

‘ઓ મિસ્ટર, જ્યાં ને ત્યાં કોઈ એક બિઝનેસ હાઉસને કેમ ટાર્ગેટ કરો છો ?’

‘કેમકે ઇરાનમાં ભારત દ્વારા બંધાઈ રહેલું એક ‘બંદર’ પણ વરસોથી ગુલાંટી જ ખાઈ રહ્યું છે !’

‘એક મિનિટ મિત્રો… આ એક જ્યોતિષીની ચેતવણી આવી છે કે માર્ચમાં જ વર્લ્ડ વૉર શરૂ થઈ જશે. એટલે દવાઓનો પૂરતો સ્ટોક કરી રાખજો !’

‘અલ્યા, દવાઓ તો ભારતમાંથી વિદેશોમાં એક્સ્પોર્ટ થાય છે ! એ તો ઉલ્ટી સસ્તી થવી જોઈએ !’

‘અરે, તમે જોજો, હવે પછી ડુંગળીનો વારો છે ! કહેશે કે ઇરાનથી આવનારી ડુંગળીનાં જહાજો ફસાઈ ગયાં છે, એટલે ડુંગળી પણ મોંઘી થઈ જશે !’

‘તો બોસ, સસ્તુ શું હશે ?’

‘પબ્લિસીટી ! ચીપ પબ્લિસીટી !!’

‘મિત્રો, ૧૮ માર્ચે ધૂરંધર મુવીનો સેકન્ડ પાર્ટ આવી રહ્યો છે. એની એડવાન્સમાં બે લાખ ટિકીટો વેચાઈ ગઈ છે !’

‘જોયું ? ચાલુ થઈ ગઈ ને, પબ્લિસીટી !!’

***

- મન્નુ શેખચલ્લી

Comments