સોશિયલ મિડીયામાં તમે જોયું હશે કે અમુક ‘એક્સપર્ટો’ અને ‘આપ ક્રોનોલોજી દેખિયે…’ એમ કહીને ભલભલી ખતરનાક સાજિશોની સાબિતીઓ આપતા હોય છે !
આવી જ એક-બે ક્રોનોલોજી અમારી નજરે પણ ચડી ગઈ છે ! જુઓ…
***
ટ્રમ્પે આવતાંની સાથે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ નાંખ્યો… રાઈટ?
પછી ‘ભારત રશિયા પાસેથી ઓઈલ કેમ ખરીદે છે’ એમ કહીને ટેરિફ ૫૦ ટકા કરી નાંખ્યો… રાઈટ ?
પણ ભારતે કેનેડા સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરી નાંખ્યું..
અને ભારતે ઇંગ્લેન્ડ સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરી નાંખ્યું…
દરમ્યાનમાં ટ્રમ્પ કહેતા રહ્યા કે ‘મોદી ઇઝ અ ગ્રેટ ફ્રેન્ડ…’
પણ પછી વળાંક આવ્યો ! તારીખ ૨૭ જાન્યુઆરીએ ભારતે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરી નાંખ્યું !
અને જુઓ… ફક્ત ૬ દિવસમાં ભારત ઉપરની ટેરિફ ૫૦ ટકા ઘટાડીને માત્ર ૧૮ ટકા કરી નાંખી ! તારીખ : ૨ ફ્રેબ્રુઆરી, ૨૦૨૬.
પણ સ્ટોરીમાં ટર્ન હવે આવે છે…
૧૮ દિવસ પછી, એટલે કે ૨૦ ફ્રેબ્રુઆરીએ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે ટ્રમ્પે જે દુનિયાભરના દેશો પર ટેરિફ લગાડી છે તે ગેરકાયદેસર છે ! બધા પૈસા પાછા આપવા પડશે…
આ કેટલા હતા ? ૧૬૬ બિલિયન ડોલર્સ !
આ ચૂકાદો આવ્યો એના આઠ જ દિવસ પછી યાને કે ૨૮ ફેબ્રુઆરીએ ટ્રમ્પે ઇરાન ઉપર હૂમલો કરી નાંખ્યો !
હવે એક્સ્પર્ટો કહે છે કે આ યુદ્ધમાં અમેરિકાને રોજનો ૧ બિલિયન ડોલરનો ખર્ચો આવે છે !
આ હિસાબે તમે જુઓ, તો અમેરિકાએ જે પેલા હરામના ૧૬૬ બિલીયન ડોલર ભેગા કર્યા છે, એના વડે કમ સે કમ ૧૫૦ દિવસ સુધી તો યુદ્ધ ખેંચી જ શકે !!
તમે ક્રોનોલોજી સમજો સાહેબો, આ અમેરિકા દુનિયાના પૈસે જ યુદ્ધ લડી રહ્યું છે !
કંઈ સમજ્યા તમે ?
‘ક્રોનોલોજી સમજો, ‘ક્રોનોલોજી’…!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment