ડુંગળીની તંગી ઊભી થાય ત્યારે જોક્સમાં છોકરીઓ ડુંગળી વેચનારાના પ્રેમમાં પડી જતી હતી ! પણ આજકાલ તો જોક્સમાં છોકરીનો બાપ ગેસ એજન્સીના ડિલીવરી બોયને જમાઈ બનાવવા તૈયાર થઈ રહ્યા છે ! ખેર, એ છોડો, જરા ‘રિયાલિસ્ટીક’ જોક્સ સાંભળો…
***
એક ગામમાં એક વડીલ મરી ગયા. એમની સ્મશાનયાત્રા નીકળી.
એ સ્મશાનયાત્રામાં કોઈએ જોયું કે અમુક લોકો હાથમાં તપેલાં, તવા, ઝારા અને તેલના ડબ્બા વગેરે લઈને સાથે ચાલી રહ્યા છે !
એણે પૂછ્યું ‘કોણ છો તમે લોકો ? અને આ વડીલની સ્મશાનયાત્રામાં કેમ જોડાયા છો ?’
પેલા લોકો કહેવા લાગ્યા કે ‘અમને પણ વડીલના મોતનું બહુ દુઃખ છે… બિચારા બહુ ભલા માણસ હતા.’
‘એ તો ઠીક છે, પણ તમે તમારી સાથે તપેલાં, તવા, કડાઈ, ઝારા… આવું બધું કેમ લઈને આવી રહ્યા છો ?’
‘શું કરીએ ભાઈ ? અમે કેટરીંગના રસોઈયા છીએ. ગામમાં લગ્નની રસોઈ કરવા આવ્યા છીએ. પણ આજુબાજુના દસ ગામમાં ક્યાંય ગેસના સિલિન્ડર મળતા નથી.’
‘તો ?’
‘તો બસ, તમતમારે વડીલની ચિતા સળગાવીને જે વિધિ કરવાની હોય તે કરી લેજો, એ પછી અમે અમારાં આ તપેલાં, તવા, કડાઈ વગેરેથી રસોઈ કરી લઈશું… તમારા વડીલને બહુ પૂણ્ય મળશે, ભૈશાબ !’
***
એક કોંગ્રેસી કાર્યકર બિચારો બારેક વરસ પહેલાં (એટલે કે ૨૦૧૪માં) કોઈ કારણસર કોમામાં જતો રહ્યો હતો…
બે દિવસ પહેલાં તે કોમામાંથી બહાર આવી ગયો.
ગઈકાલે તે હોસ્પિટલથી નીકળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે ઠેર ઠેર ગેસના સિલિન્ડરો માટે લાંબી લાંબી લાઈનો લાગી છે !
આ જોતાં જ તે રાજી રાજી થઈને બોલી ઉઠ્યો : ‘અરે વાહ ! ફરી કોંગ્રેસનું રાજ આવી ગયું ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment