સૌથી પહેલો સવાલ તો એ થાય કે બોસ, આ ફિલ્મમાં અંડરવર્લ્ડનું કામકાજ કરતા સૌથી પાવરફૂલ ગ્રુપનું નામ ‘મિડીયા’ ગ્રુપ શા માટે પડ્યું હશે ?
સુભાષ ઘાઈને એવી તો શું દુશ્મની હતી મિડીયા માટે ? (જોકે તે વખતે ‘મિડીયા’ શબ્દ આટલો બધો જાણીતો પણ નહોતો.) પણ પછી આખો એ ટાઈમનો ફ્લેશ-બેક રિ-વાઈન્ડ કરીને જોઈએ તો યાદ આવે છે કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં અખબારોમાં એક સનસનાટીભરી ખબર આવી હતી કે, ‘યુસુફ સાહેબે, યાને કે, દિલીપ કુમારે પોતાની પત્ની સાયરાબાનુને અંધારામાં રાખીને કોઈ આસ્મા રહેમાન સાથે બીજાં લગ્ન કરી લીધાં છે !’
વાત એ હતી કે ફિલ્મી પત્રિકાઓમાં સાયરાબાનુનું સમ ખાવા પૂરતું એક વાક્યનું પણ રિ-એક્શન વાંચવા મળતું નહોતું ! એ તો મોડે મોડે લોકોને લાઇટ થઈ કે દિલીપ કુમારનો ઘણો સમય પછી ‘કમ-બેક’ થઈ રહ્યો હતો, અને ભાઈસાહેબ આમેય ફિલ્મમાં નેગેટિવ શેડવાળા પાત્રમાં હતાને, એટલે !
અચ્છાઆઆ… તો હકીકતમાં આ તો સુભાષ ઘાઈના પોતાના ‘મિડીયા ગ્રુપ’ની કમાલ હતી ! બોલો.
ફિલ્મમાં દિલીપકુમારની સાથે સાથે શમ્મી કપૂર અને સંજીવ કુમાર જેવા સિનિયર સ્ટાર્સ હતા છતાં એમના વચ્ચે કોઈ ‘ઇગો’ની બબાલ નહોતી. જોકે એક દૃશ્યમાં સંજીવ કુમાર દિલીપ કુમારને લાંબા લાંબા ડાયલોગ બોલીને ખરેખરી ‘સંભળાવે’ છે, એમાં અડધા સંવાદો પછી દિલીપ કુમાર બારણું પછાડીને અંદર જતા રહે છે !
પછી સંજીવ કુમારને મોઢે એવો ડાયલોગ મુક્યો છે કે ‘દરવાજે કે પીછે અપના મુંહ ક્યું છૂપા રહે હો શોભરાજ ? મેરી આવાજ તો ઉસ પાર ભી પહુંચતી હોગી… તો સુન લો…’ વગેરે વગેરે.
આ તો ઠીક છે, પણ ‘વિધાતા’ની સ્ટાર કાસ્ટમાં સુભાષ ઘાઈને સૌથી વધુ ત્રાસ થયો હોય તો તે સંજય દત્તને લીધે ! જીહા ! પણ એનું કારણ શું ?
કારણ એ કે તે સમયે સંજય દત્ત બહુ ખરાબ રીતે ડ્રગ્સની હાલતમાં ફસાયેલો હતો. સેટ પર મોડો આવે, ડાયલોગ યાદ જ ના રહે, મેકપ રૂમમાં બેઠાં બેઠાં ઊંઘી જાય… અરે, એક વાર તો ચાલુ શૂટિંગે, જ્યારે દિલીપ કુમાર અને સંજીવ કુમાર સાથે એક દૃશ્ય ચાલી રહ્યું હતું ત્યારે સંજય દત્ત ઊભો ઊભો જ ઊંઘી ગયો હતો ! બોલો.
અચ્છા, સંજય દત્ત સંવાદો બોલવામાં પણ એટલી વેઠ ઉતારતો હતો કે તે સંજીવ કુમારને ‘અબુબાબા’ કહેવાને બદલે જીભમાં વધારે પડતું માખણ ચોપડાઈ ગયું હોય તે રીતે ‘અવુવાવા…’ જ બોલતો હતો !
કદાચ એટલે જ સુભાષ ઘાઈએ સંજીવ કુમારના મોઢે એક સંવાદ બોલાવ્યો છે કે ‘ઇતના બડા હો ગયા હૈ. મગર અબ તક મેરા નામ ભી ઠીક સે બોલના નહીં સીખ પાયા હૈ !’
સુભાષ ઘાઈના ‘મિડીયા ગ્રુપ’ની બીજી કમાલ હતી ફિલ્મનું એક ગાયન ‘સાત સહેલિયાં ખડી ખડી…’ આ રીતસર ઉઘાડેછોગ એક ડબલ-મિનિંગ ગાયન હતું. છતાં સેન્સર બોર્ડમાં એક પણ કટ વિના પાસ થઈ ગયું હતું !
ત્યાં કદાચ ઘાઈ સાહેબે એવી દલીલ કરી હશે કે, ‘હિરોઇન મહારાષ્ટ્રના ગામડાની છે અને મહરાષ્ટ્રના લાવણી ગીતોમાં આવું દ્વિઅર્થી હોવું તે કોમન છે !’
સુભાષ ઘાઈના ‘મિડીયા મેનેજમેન્ટ’ને લીધે આ વિવાદને પણ જોરદાર ખ્યાતિ મળી હતી ! પરંતુ એમાં શમ્મી કપૂરની એક અદા, જે ખરેખર બિભત્સ જ હતી, તેની તરફ તે વખતે કોઈનું ધ્યાન જ નહોતું ગયું !
તમે પૂછશો, એ વળી કઈ અદા ? તો સાહેબો, એ ગાયન ફરીથી જોજો, એમાં જેટલી વાર શમ્મી કપૂર ‘એક સહેલી કા મિયાં થા…’વાળી લાઈન ગાય છે ત્યારે કંઈ આંગળી ઊંચી કરે છે ? વચલી આંગળી !! (આવું તો એ સાત સાત વાર કરે છે !)
તમને યાદ હોય તો ભારતીય ટીમના કોચ ગ્રેગ ચેપલનો ૨૦૦૭માં જ્યારે જાહેરમાં હુરિયો બોલાયો હતો ત્યારે તેણે ભારતના લોકોને આ આંગળી બતાડીને તિરસ્કાર બતાડ્યો હતો ! એના માટે આઈસીસી દ્વારા સખત પગલાં પણ લેવાયાં હતાં ! પશ્ચિમના દેશોમાં જ નહીં, ભારતમાં પણ આ આંગળી વડે આવો ઇશારો બિભત્સ જ ગણાય છે ! પણ એ વખતે બધું લોલમલોલ ચાલી ગયું…
જોકે આ બધી ગડબડોને બેલેન્સ કરવા માટે સુભાષ ઘાઈએ ફિલ્મમાં બે ઠેકાણે શુધ્ધ ‘શૈક્ષણિક સામગ્રી’ પણ નાંખી છે !
દાખલા તરીકે એક ગાયનમાં વ્યાકરણનો પાઠ છે ! ‘આ-આ-ઈ-ઈ-ઉ-ઊ-એ-ઐ… ઉડી બાબા ઉડી બાબા ઉડીબાબા…’ અહીં કવિશ્રી તરીકે જો જાવેદ અખ્તર હોત તો ‘તેજાબ’ના ગાયનમાં જે રીતે આખા મહિનાની તારીખો શીખવાડી દીધી હતી એ રીતે અહીં આખી બારાખડી લખી નાંખી હોત કે ‘કા-કા-કિ-કી-કૂ-કુ-કે-કૈ… કુડીબાબા કુડીબાબા કુડીબાબા…’
પરંતુ અહીં ગીતકાર આનંદ બક્ષી હતા એટલે એમને લખવાલાયક બીજા શબ્દો મળી ગયા હતા. પરંતુ આ અધૂરા પાઠનું સાટું સુભાષ ઘાઈએ બીજા સીનમાં વાળી દીધું છે ! અહીં દિલીપકુમાર વિલન અમરિશ પુરીની બોચી ઉપર પિસ્તોલ રાખીને આખેઆખી ‘એબીસીડી’ બોલાવડાવે છે !
‘વિધાતા’ના પેલા વિવાદિત ગાયન ‘સાત સહેલિયા’માં કલ્યાણજી આનંદજીએ પણ અનોખો પ્રયોગ કર્યો હતો એમાં પદ્મિની કોલ્હાપુર માટે સાત-સાત ગાયિકાઓ પાસે ગવડાવ્યું હતું ! ગણજો… (૧) અનુરાધા પોડવાલ (૨) હેમલતા (૩) અલકા યાજ્ઞિક (૪) સાધના સરગમ (૫) કંચન (૬) પદ્મિની કોલ્હાપુરી પોતે અને (૭) પદ્મિનીની બહેન શિવાંગી કોલ્હાપુરી !
જોગાનુજોગે બિનાકા ગીતમાલાના વાર્ષિક પ્રોગ્રામમાં એ ગાયન સાતમા નંબરે હતું… જ્યારે વિવિધભારતી ઉપર તે ‘બેન’ થયેલું હતું !
***
ફિલ્મની જાણી અજાણી વાતો...
* નિર્માતા ગુલશન રાય આ જ સ્ટોરી માટે દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનને સાઇન કરી ચૂક્યા હતા પણ એ પ્રોજેક્ટ ખોરંભે પડતાં વાર્તામાં થોડા ફેરફાર કરીને ‘વિધાતા’ બનાવી હતી.
* ‘વિધાતા’ પહેલાં અમરિશ પરી આર્ટ ફિલ્મોના કલાકારની છાપ ધરાવતા હતા. કોમર્શિયલ ફિલ્મોમાં ‘બિગ વિલન’ તરીકેની ઇમેજ આ ફિલ્મથી જ મળી.
* અમરીશ પુરીની એન્ટ્રી થાય ત્યારે નગારાં જ વાગતાં હોય એવું આ ફિલ્મ પછી લગભગ ‘ફરજિયાત’ થઈ ગયું હતું !
* અમરીશ પુરીના દિકરાની નાની ભૂમિકા માટે સુભાષ ઘાઈ જેકી શ્રોફને મળ્યા હતા. પણ જેકીની સ્ટાઈલ જોતાં એને આગામી ‘હીરો’ ફિલ્મમાં ‘હીરો’ બનાવવાનું વિચાર્યું હતું !
* શરૂઆતમાં સારિકાનો સેકન્ડ હિરોઇન જેવો રોલ હતો પણ એનાં નખરાંને લીધે રોલ પર કાતર ફરી ગઈ હતી.
* દોઢ કરોડમાં બનેલી ‘વિધાતા’એ કુલ આઠ કરોડની ધરખમ કમાણી કરી હતી.
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment