ભલે એ આર રહેમાનનું આજે આટલું મોટું નામ હોય, ભલે રહેમાનની છેલ્લી બે ફિલ્મોનું એકપણ ગાયન યાદગાર ના લાગતું હોય અને ભલે રહેમાન ‘માઈનોરીટી કાર્ડ’ ખેલીને લાઈમ લાઈટમાં રહેવા ફાંફા મારતા હોય… છતાં એક વાત તો માનવી પડે કે રહેમાને શરૂઆતની કારકિર્દીમાં જે ગીતો આપ્યાં તે ખરેખર ગોલ્ડન લેવલનાં હતાં !
છતાં એ જ તબક્કામાં જ્યારે ‘તાલ’નાં ગાયનો આવ્યાં ત્યારે અમને તો રીતસર ‘પૈસા પડી ગયા’ જેવી જ ફિલીંગો થયેલી ! કેમ ?
કારણ કે આજે પણ તમે જરીક જ ધ્યાન આપીને ‘તાલ’ના ગીતો સાંભળો તો લાગશે કે બોસ, આમાં રહેમાનનું તો કંઈ છે જ નહીં ! ઉલ્ટું સુભાષ ઘાઈ અને આનંદ બક્ષી જ ચડી બેઠાં છે!
માન્યામાં નથી આવતું ? તો વારાફરતી એક-એક ગીતોનું ‘ડિસેક્શન’ કરી જુઓ…
સૌથી પહેલુ ગાયન લો ‘કોઈ લગન લગે લગ જાવે…’ ‘એમાં પેલું ‘જંગલ મેં બોલે કોયલ કુકુકુઉ…’ પછી જે ‘કુકુકુઉઉ… કુકુઉઉઉ…’ કરાવ્યું છે એમાં તો ‘ખલનાયક’ના ગાયન ‘ચોલી કે પીછે ક્યા હૈ’ વાળું ‘કૂક કૂક કૂક કૂક’ હજી સુભાષ ઘાઈના દિમાગમાંથી ખસ્યું જ ના હોય એમ લાગે છે !
એમાંય વળી રીચા શર્માના અવાજમાં ‘આવો સૈંયોઓંઓં….’ ના જે રાગડા તણાવ્યા છે, તે તમને શું લાગે છે કે, આ રહેમાનનો આઈડિયા હશે ?
એ જ ગીતમાં છેલ્લે છેલ્લે તો જાણે બધાને ‘વાઈ’ ચડી હોય તેમ ડબલ સ્પીડમાં ‘આવો સૈંયોં, આવો સૈંયો’ કરીને ધૂણતાં ધૂણતાં ગાતાં હોય એવું લાગે છે ! યાર, રહેમાને શી રીતે આવું રેકોર્ડિંગ પોતાની નજર સામે (એટલે કે કાન સામે) થવા દીધું હશે ?
અને ભૈશાબ, ભારતની કઈ ભાષામાં ‘સૈંયા’ને ‘સૈંયો’ કહે છે ? અમને તો બે મિનિટ માટે એવું લાગેલું કે, એ લોકો ગુજરાતીમાં સવાલ કરે છે કે ‘યાર, છેક ‘આવો’ સૈંયો ?’
હવે બીજું ગાયન લો… ‘ની મૈં સમજ ગઈ.’ આમા તો બિચારા રહેમાન બરોબરના હલવાયા છે ! એક તો એમને સીધું સાદું હિન્દી જ બહુ સમજાતું નથી, એમાં આનંદ બક્ષી સાવ તળપદી પંજાબી ગીત લઈને પહોંચી ગયા ! ઉપરથી બબ્બે ફૂલ-ટુ પંજાબી ગાયકો ! સુખવિન્દર અને રીચા શર્મા !
આ આખું ગીત એ બંને જણાને સુભાષ ઘાઈએ રેકોર્ડિંગ રૂમમાં ‘છૂ…!’ કહીને છોડી મુક્યાં હોય એ રીતે પોતાની જ તાનમાં ગાઈ નાંખ્યું છે ! બિચારા રહેમાને એમાં માત્ર બે ખંજરીઓ જ વગાડવાની છૂટ મળી છે ! (ફરી સાંભળજો, ખાતરી થઈ જશે.)
‘તાલ’માં રહેમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એવું એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું ત્યારે ઘાઈ સાહેબે જરાય શરમ રાખ્યા વિના બળાપો કાઢ્યો હતો:
‘એ ખરેખર ત્રાસદાયક અનુભવ હતો ! કેમ કે રહેમાન સાહેબ એક તો મુંબઈ આવે નહીં, ગીતનાં સેશન્સ માટે મારે અને આનંદ બક્ષીએ ચેન્નાઈ જવુ પડે. એ તો ઠીક, પણ ત્યાં એ ભાઈ માત્ર રાત્રે જ કામ કરે ! અઢી-અઢી ત્રણ-ત્રણ વાગ્યા સુધીના ઉજાગરાથી હું ઢીલો-ઢફ થઈ જતો હતો…’
બસ, આ જ કારણસર સુભાષ ઘાઈએ બરાબરનો ‘બદલો’ લીધો હોય એવું લાગે છે ! કેમકે અનિલ કપૂર ઉપર ફિલ્માવેલું ગીત ‘રમતા જોગી’ સાંભળી લો… શું એમાં ક્યાંય રહેમાનનો ટચ લાગે છે ? એમાં પણ સુખવિંદર પોતાની જ ધૂનકીમાં છે !
જે રીતે ‘મેં પિયાયા મૈં પિયાયા મૈં પિયાયાઆઆ..’ કર્યા કરે છે અને જે રીતે ‘રમતા-રમતા રમતા-રમતા જોગી-જોગી જોગીજોગી…’ કરીને ગાયનને રીતસર ‘ગબડાવે’ છે, એ રહેમાને શી રીતે સહન કર્યું હશે ?
હકીકતમાં તો આ બધાં ગીતોની ધૂન આનંદ બક્ષી અને સુભાષ ઘાઈની જ હોય એમ લાગે છે ! બિચારા રહેમાન પાસેથી તો નવી સ્ટાઈલનું ઇલેક્ટ્રોનિક ‘ઓરકેસ્ટ્રા’ જ લીધું છે !
હજી એક નબળું ગીત યાદ કરો… ‘કરિયે ના કોઈ વાદા કિસી સે કરિયે ના…’ આ તો બોસ સુભાષ ઘાઈ જ્યારે ‘કાલીચરન’ બનાવતા હતા ત્યારે કલ્યાણજી આનંદજીએ બનાવેલી કોઈ ‘રફ’ ધૂનને કચરાપેટીમાંથી કઢાવીને રહેમાન સાહેબને તેની સાફસૂફી કરવા આપી હોય, અને પછી તેની ઉપર નકલી ચાંદીના વરખ ચોંટાડવાની સૂચના આપી હોય તેવું નથી લાગતું ?
આખા આલ્બમમાં જો કોઈ ખરેખર રહેમાને બનાવેલું ગીત લાગતું હોય તો એક જ હતું : ‘નહીં સામને તૂ, મેરે પાસ હૈ…’ (અક્ષય ખન્ના અને એના દોસ્તો ભીની સડકો ઉપર સાયકલ ચલાવતાં ગાય છે તે) પરંતુ ફિલ્મમાં એની સિચ્યુએશન જ એવી ફાલતુ હતી કે ખોવાઈ ગયું.
હા, ‘ઇશ્ક બિના ક્યા જીના યારો…’ સરસ હતું. પરંતુ એ તો રહેમાને પોતે જ ગાયું એટલે. અને સૂફી કવ્વાલીનો ટચ હતો એટલે. બાકી એમાંય જો સુખવિંદરને ‘છૂ…’ કરીને છોડી મુક્યો હોત તો બીજાં ગાયનો જેવી જ દશા થવાની હતી.
રહી વાત ફિલ્મના ટાઈટલ સોંગ ‘તાલ સે તાલ મિલા’ની, તો એમાં રહેમાનની ‘ઓરકેસ્ટ્રા એરેન્જમેન્ટ’માં ખુબ બારીકીઓ અને ઘણી વિવિધતા હતી. (છેલ્લે ક્લઈમેક્સ વખતે વેસ્ટર્ન વર્ઝન પણ જોરદાર હતું.)
જોવાની વાત એ, કે ‘તાલ’ પહેલાં રહેમાને ઓરીજિનલ હિન્દી ગાયનોવાળી ફિલ્મો ‘રંગીલા’ અને ‘દૌડ’માં બેમિસાલ સંગીત પીરસ્યું હતું. જેમાં રહેમાનની અમીટ ‘છાપ’ વર્તાતી હતી.
અરે, ‘તાલ’ પછી પણ ‘પુકાર’ ‘લગાન’ ‘સાથિયા’ ‘યુવા’ ‘સ્વદેશ’ ‘રંગ દે બસંતી’ ‘ગુરુ’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં યાદગાર કહી શકાય તેવાં ઓરીજિનલ હિન્દી ગાયનો આપ્યાં…
પણ એ જ ગાળા દરમ્યાન સુભાષ ઘાઈની ‘કિસ્ના’માં ‘યે કિસ્ના હૈ…’ ગાયનના એ ત્રણ શબ્દો સિવાય યાદ રહે એવું કશુંય આપ્યું નહીં ! એવું જ ઘાઈ સાહેબની ‘યુવરાજ’માં તો એક પણ ગીત ગણગણવા લાયક આપ્યું નહીં ! જાણે કે રહેમાન સુભાષ ઘાઈને કહેતા હોય કે ‘લો… બેટમજી, લેતા જાવ !’
બાય ધ વે, ‘તાલ’ માટે એ આર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ સુભાષ ઘાઈએ જ ‘અપાવ્યો’ હતો !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘તાલ’ ભારતમાં તો હિટ હતી જ, પણ અમેરિકામાં ટોપ-૨૦ કમાણી કરનારી ફિલ્મોમાં તેનો સમાવેશ થતો હતો.
* અનિલ કપૂરના રોલ માટે આમીર ખાન સાથે વાત ચાલી હતી. શાહરુખ ખાને પણ રસ બતાયો હતો પરંતુ સુભાષ ઘાઈને લાગ્યું કે શાહરુખ હશે તો અક્ષય ખન્નાને ‘ખાઈ’ જશે !
* ‘કહીં આગ લગે…’ ગીતમાં શાહિદ કપૂર ગ્રુપ ડાન્સરોમાંના એક તરીકે દેખાય છે !
* ‘તાલ’માં પ્રોડક્ટ પ્લેસમેન્ટ માર્કેટિંગનો પહેલો પ્રયોગ થયો છે, જેમાં ‘ઇશ્ક બિના…’ ગાયન આખેઆખું ‘કોકા-કોલા’ માટે જ બનાવ્યું હોય તેવું લાગે છે.
* એ જ રીતે ‘કહીં આગ લગે લગ જાયે’માં પાનમસાલાની બ્રાન્ડ ‘માનિકચંદ’ને ઘૂસાડી હતી. જેની સામે સેન્સર બોર્ડે સખત વાંધો લીધો હતો.
* ફિલ્મનું શૂટિંગ લાંબુ ચાલ્યું હતું એ દરમ્યાન અક્ષય ખન્નાના માથાના વાળ ખરવાનું અચાનક વધી ગયું હતું !
***
- મન્નુ શેખચલ્લી
waah! superb observation!
ReplyDeleteअहो रुपम, अहो ध्वनि तो सुना था लेकिन यहां तो बिल्कुल विपरीत हुआ लगता है!
ReplyDeleteસુખવિંદરે જ ધૂન બનાવી હોવાનું કહ્યું છે. વિશેષ તો તાલ સે તાલ મિલા ગીત. દિલ સેના છૈયા છૈયાની ધૂન પણ સુખીની જ હતી. ઈશ્ક બિના ક્યા જીના માં સોનુ નિગમવાળો ભાગ સુભાષના દર્દે દિલની સ્મૃતિ અપાવે છે.
ReplyDelete-જયવંત પંડ્યા
Nice Article
ReplyDelete