'પઠાન-ટુ'ની બાકીની વારતા !

પઠાન મુંઝાયો છે ! કરવું શું ? આઈપીએલની બંને ટીમોના બાવીસ પ્લેયરોને આઈએસઆઈએ કિડનેપ કરી લીધા છે ! અને શરત મુકી છે કે જો સિંધુ નદીમાં પાણી નહીં છોડો તો…

પણ શાહરૂખ એમ કંઈ હાર થોડો માને ? એણે ભૂતકાળમાં પણ ‘મિડીયા હાઈપ’નો ફાયદો લીધો હતો ને ? તો એ જ હથિયાર ફરીથી…

શાહરૂખ ‘રો’ દ્વારા ડુપ્લીકેટ દિપીકા પાસેથી એવી ‘ખૂફિયા’ માહિતી ‘લીક’ કરાવે છે કે પેલા બાવીસ પ્લેયરો તો બોલીવૂડમાંથી ઉધાર લાવેલા ‘ડુપ્લીકેટ’ છે !

આ બાજુ શાહરૂખ પોતાના મિડીયા કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરીને ન્યુઝ ચનેલો, ઇન્ફ્લુએન્સરો અને સોશિયલ મિડીયા દ્વારા હજારોની સંખ્યામાં એવા મિમ્સ અને રીલ્સ બનાવડાવે છે કે ‘જુઓ આઈએસઆઈ કેટલું ડફોળ છે ? ચાઈનાનાં ડુપ્લીકેટ મિસાઈલ અને ડ્રોન પછી હવે ક્રિકેટરો પણ ડુપ્લીકેટ ઉપાડી લાવ્યા છે !’

ભોંઠુ પડેલું ‘આઈએસઆઈ પ્લેયરોને છોડી તો મુકે છે પણ ‘ઓરીજીનલ પ્લેયરો છે ક્યાં ?’

બસ, અહીં જ શાહરૂખ ગેમ રમી જાય છે ! એ બાવીસ પ્લેયરોનાં ૨૨ માસ્ક બનાવીને ‘ઓરીજીનલ’ ટીમ ઊભી કર દે છે ! (‘મિશન ઇમ્પોસિબલ’માં જો બે માસ્ક બની શકે તો બોલીવૂડમાં ૨૨ કેમ નહીં?)

આઈએસઆઈ હવે આ નવા ૨૨ ખેલાડીને ઉઠાવીને પોતાના ખૂફિયા અડ્ડા પર લઈ જાય છે. પણ ‘ઢેન્ટેણે…ન…’ અહીં શાહરૂખ સાથે બીજા ૨૧ ‘કમાન્ડો’ પોતાના માસ્ક ફગાવીને ધનાધની મચાવી દે છે !

પોતાના ગ્લોવ્ઝમાં છૂપાવેલા બોમ્બ, ખિસ્સામાં છૂપાવેલી મશીનગનો અને ચોર ખિસ્સામાં છૂપાવેલાં રોકેટ લોન્ચરો વડે આખું ‘પાકિસ્તાની પેન્ટાગોન’ ઉડાવી દે છે !!

પણ ઊભા રહો, પેલા બોમ્બનું શું ? તો ખબર પડે છે કે એ બોમ્બ મેચમાં વપરાનારા કોઈપણ બોલની અંદર છે ! અને તે બરાબર વીસમી ઓવરના અંતે એટલે કે ૧૨૦મા બોલે ફાટશે !

શાહરૂખ આ વખતે ફિલ્ડીંગમાં છે. (પેલું માસ્ક પહેરીને) છેલ્લા બોલે જ્યારે સિક્સ વાગે છે ત્યારે શાહરૂખ ઉછળીને, બોલનો કેચ કરીને, ઉડતા હેલિકોપ્ટરના દોરડાં પર લટકી જાય છે !

પણ પેલી દિપીકા દોરડું કાપી નાંખે છે !! શાહરૂખ બોમ્બ સાથે કિચ્ચડથી ભરેલા વસ્ત્રાપુર તળાવની વચ્ચોવચ્ચ પડે છે !

કિચ્ચડમાં બોમ્બ ડિફ્યુઝ તો થઈ જાય છે છતાં તે ફૂટે છે અને શાહરૂખ ‘શહીદ’ થઈ જાય છે… બોલો ભારત માતા કી જય !

***

- મન્નુ શેખચલ્લી

Comments