'પઠાન-ટુ'ની નવી વારતા !

જે રીતે મોટા બજેટની બોલીવૂડ મુવીઝની સ્ટોરીઓ ‘ધૂરંધર-ટુ’ પછી રાતોરાત બદલવામાં આવી રહી છે એમાં હવે ‘પઠાન-ટુ’ની પણ સ્ટોરી બદલાઈ ગઈ છે ! સાંભળો…

*** 

શાહરૂખ ખાને પ્રતિજ્ઞા લીધી છે કે હવે તે કોઈ આઈએસઆઈની એજન્ટના લફરામાં હરગિઝ નહીં પડે !

પરંતુ હોર્મૂઝની ખાડીમાંથી ભારત આવી રહેલા એલપીજી ગેસના જહાજમાં બોમ્બ છે એવી ‘ખૂફિયા’ ખબર મળતાં જ શાહરૂખ ત્યાં પહોંચી જાય છે !

અહીં એક રહસ્યમય યુવતી શાહરૂખને ‘ખૂફિયા’ માહિતી આપે છે કે બોમ્બને જહાજમાં ક્યાં છૂપાવવામાં આવ્યો છે !

શાહરૂખ જાનના જોખમે બોમ્બ ડિફ્યુઝ કરી નાંખે છે (કેમકે આ અનુભવ તેને ‘જબ તક હૈ જાન’માં મળેલો છે.) જોકે એમાં શાહરૂખનાં કાબરચીતરાં દાઢી મૂછ અને માથાનાં જીંથરા જેવા વાળ બળીને સાફ થઈ જાય છે !

એટલે હવે તે ‘જવાન’ના ગેટ-અપ મુજબ ‘ટકલુ’ થઈ ગયો છે પરંતુ તે પેલી રહસ્યમય યુવતીને શોધી રહ્યો છે. આખરે તે યુવતી માલદીવ્સ ટાપુના બિચ ઉપર ‘ગ્રીન’ કલરની બિકીની પહેરીને ગાયન ગાતી મળી આવે છે ! (ભલે ને ગ્રીન કલરને લીધે ફિલ્મ પાકિસ્તાનમાં બેન થાય ?)

પણ હલો, એ તો દિપીકા જ છે ! પણ એ યુવતી કહે છે કે હું દિપીકાની જુડવાં બહેન છું. અને ભલે આઈએસઆઈની એજન્ટ હોઉં પણ મૂળ તો ‘રો’ની જ ‘ખૂફિયા’ એજન્ટ છું ! (આ ‘ટાઈગર-ફોર’ જેવું જ નીકળ્યું ને ? પણ નવા આઇડિયા બોલીવૂડમાં છે જ ક્યાં ?)

ખેર, દિપીકા કહે છે કે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જે આઈપીએલની ફાઈનલ રમાવાની છે ત્યાં બહુ મોટો બોમ્બ બ્લાસ્ટ થવાનો છે ! આમાંથી લાખો પ્રેક્ષકોને બચાવવાનો એક જ ઉપાય છે કે બંને ટીમોના ખેલાડીઓનું અપહરણ કરવામાં આવે ! જેથી મેચ જ કેન્સલ થઈ જાય !

શાહરૂખ ફરી એકવાર દિપીકાના પ્લાનમાં ફસાઈ જાય છે ! બંને મળીને પ્લેયરોને હાઈજેક કરે છે ત્યારે ખબર પડે છે કે આ જ તો આઈએસઆઈનો પ્લાન હતો !

આઈએસઆઈ આ ૨૨ પ્લેયરોને બંધક બનાવીને ડિમાન્ડ મુકે છે કે ભારત જ્યાં સુધી સિંધુ નદીમાં પાણી નહીં છોડે ત્યાં સુધી આ ખેલાડીઓના જીવ જોખમમાં છે !

આગે ક્યા હોગા ? કાલે વાત…

***

- મન્નુ શેખચલ્લી

Comments