ટ્રમ્પની બાળપોથીનાં પાનાં !

આપણે ત્યાં કહેવત છે કે ‘પુત્રનાં લક્ષણ પારણામાં…’ અર્થાત્‌ નાનું બાળક ઘોડિયામાં કેવું વર્તન કરે છે ત્યાંથી જ ખબર પડી જાય કે મોટો થઈને એ શું કરશે !

આ હિસાબે ટ્રમ્પે તો જન્મ્યા પછી હોસ્પિટલની નર્સની જ છેડતી કરી હશે, નહીં ?

અમને ટ્રમ્પના બાલમંદિર વખતની એક પર્સનલ બાળપોથીનાં છૂટક છૂટક પાનાં મળ્યાં છે ! જુઓ એમાં શું છે…

*** 

એબીસીડીવાળું પાનું…

એ ફોર એરો-ગન્સ
બી ફોર બોમ્બ
સી ફોર ‘ડોન્ટ-સી’
ડી ફોર ‘ડોનાલ્ડ’ જ હોય ને !
ઈ ફોર એપ્સ્ટીન (કેટલું ફ્યુચર પ્લાનિંગ)
એફ ફોર (ફેમસ અમેરિકન ગાળ)
જી ફોર ગન
એચ ફોર હેટ
આઈ ફોર આઈ (આંખને બદલે આંખ)

*** 

કલર બુકનાં પાનાં 

ડોનાલ્ડની કલર બુકમાં માત્ર બે જ રંગ વડે ડાઘાડૂઘી થયેલી દેખાય છે. એક, ઓઈલનો કાળો રંગ અને બીજો લાલ રંગ લોહીનો…

*** 

નિબંધનું પાનું…

‘મારું વિશ્વ’ એ વિષય ઉપર ટ્રમ્પે લખેલા નિબંધમાં એક જ શબ્દ તેણે સો વાર લખ્યો છે :
‘આઈ આઈ આઈ આઈ આઈ…’

*** 

મારી વર્કશોપ…

બીજાં બાળકો જ્યાં જુદા જુદા આકારનાં ઘર બનાવતાં હતાં ત્યારે ડોનાલ્ડભાઈ વારંવાર દિવલ જ બનાવતા હતા ! ઉપર લખતા હતા : ‘ગ્રેટ મેક્સિકન વૉલ’

*** 

વાર્તાલેખનનું પાનું….

‘થ્રી લિટલ પિગ્સ’ નામની વારતામાં ડોનાલ્ડ પોતે જ હિરો છે ! વાંચો…

ત્રણ પિગ હતા. એક પિગે ઘાસ પાંદડા વડે ઘર બનાવ્યું. બીજા પિગે લાકડાં વડે ઘર બનાવ્યું. ત્રીજા પિગે ઇંટો વડે ઘર બનાવ્યું.
ત્યાં ડોનાલ્ડ આવ્યો. તેણે લાકડાં વડે ઘાસ પાંદડાનું ઘર તોડી નાંખ્યુ. પછી ઈંટ વડે લાકડાનું ઘર તોડી નાંખ્યું અને લાત મારીને ઈંટનું ઘર પણ તોડી નાંખ્યું ! પછી કહ્યું :

‘આઈ વિલ મેક અ ગ્રેટ હોમ અગેઈન !’

*** 

ટિચરની રિમાર્કનું પાનું…

અહીં તમામ રિમાર્ક ઉપર લીટાડા કરી દીધેલા છે ! અને લાલ માર્કર વડે લખ્યું છે : ‘હું આ સ્કૂલ જ બંધ કરાવી દઈશ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments